(એજન્સી) તા.૨૫
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરીણામો દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓએ જે વ્યાપક ચૂંટણી અભિયાન હાથ ધર્યુ હતું તેણે ભાજપની તરફેણમાં કામ કર્યુ નહીં. મિડીયા રિપોર્ટ અનુસાર વિધાનસભા ચૂંટણી દરમિયાન મોદી, શાહ અને યોગી આદિત્યનાથે રાજ્યના જુદા જુદા ભાગોમાં ૩૨ ચૂંટણી રેલીઓને સંબોધી હતી, પરંતુ ભાજપનો ચૂંટણી દેખાવ નિર્દેશ આપે છે કે આ રેલીથી કોઇ હેતુ સર્યો નહીં. મોદીએ ચૂંટણીના પ્રથમ તબક્કામાં દાલતોગંજ અને ગુમલા ખાતે બે રેલી યોજી હતી જેમાં દાલતોગંજના ભાજપના ઉમેદવારનો વિજય થયો પરંતુ ગુમલામાં ભાજપના ઉમેદવાર મિશીર કુજૂર પરાજિત થયાં હતા.
એ જ રીતે બીજા તબક્કામાં મોદીએ ખૂટી અને જમશેદપુરમાં બે રેલીઓ સંબોધી હતી. જમશેદપુરની બંને બેઠક પર ભાજપનો પરાજય થયો છે જ્યારે ખૂટીમાં ભાજપનો વિજય થયો હતો. એ જ રીતે ત્રીજા તબક્કામાં જે મતક્ષેત્રમાં બે રેલી યોજી હતી તે બંને બેઠક પર ભાજપનો પરાજય થયો છે. ચોથા તબક્કામાં ધનબાદ ખાતે તેમજ દુમકામાં રેલી યોજી હતી જે બંને બેઠકો પર ભાજપનો પરાજય થયો છે.
એ જ રીતે અમિત શાહે ૧૧ ચૂંટણી રેલીઓને સંબોધી હતી તેમાંથી માત્ર બે બેઠકને બાદ કરતાં તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો પરાજિત થયાં હતા. ભાજપના સ્ટાર પ્રચારક અને ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ મતદારોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યાં છે. આદિત્યનાથે પણ ઝારખંડમાં ૧૧ જેટલી રેલીઓ યોજી હતી. પરંતુ ભાજપનો વિજય થયો નથી.
જ્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારકોનો દેખાવ ભાજપની તુલનાએ સારો જોવા મળ્યો છે. રાહુલ ગાંધીએ ૪ અને પ્રિયંકા ગાંધીએ ૧ રેલીને સંબોધી હતી જેમાં રાહુલે જે ચાર મતક્ષેત્રોમાં રેલીઓ સંબોધી હતી તેમાં ૩ પર કોંગ્રેસનો વિજય થયો છે અને એક બેઠક પર ભાજપનો વિજય થયો હતો. એ જ રીતે પ્રિયંકા ગાંધીએ જે મતક્ષેત્રમાં રેલીને સંબોધી હતી તે સંથાલ પરગણામાં પણ કોંગ્રેસનો જ વિજય થયો છે.