(એજન્સી) રાંચી, તા. ૩૦
ઝારખંડ હાઇકોર્ટે ગયા વર્ષના રામગઢના લિંચિંગના કેસમાં દોષિત ઠરાવવામાં આવેલા ૧૧ આરોપીઓમાંથી ૮ને ફટકારવામાં આવેલી આજીવન કારાવાસની સજા શુક્રવારે સસ્પેન્ડ કરી દીધી છે અને દોષિતોના જામીન મંજૂર કર્યા છે. ૨૦૧૭ની ૨૯મી જૂને ૫૫ વર્ષીય અલિમુદ્દીન અન્સારીને રાજ્યના રામગઢ જિલ્લામાં કથિત રીતે બીફ લઇ જવા બદલ હિંસક ટોળા દ્વારા રહેંસી નાખવામાં આવ્યા હતા. અલિમુદ્દીન અન્સારીના પરિવારને તેમની પ્રથમ પુણ્યતિથિએ આવા સમાચારની અપેક્ષા ન હતી.
ન્યાયમૂર્તિઓ એચસી મિશ્રા અને બીબી મંગલમૂર્તિની બનેલી બેંચે અલિમુદ્દીન અન્સારીની હત્યાના આરોપી ભાજપના રામગઢ એકમના સભ્ય નિત્યાનંદ માહતો અને અન્ય સાત આરોપી ગૌરક્ષકો રોહિત ઠાકુર, કપિલ ઠાકુર, રાજુકુમાર, સંતોષસિંહ, વિકી સો, સિકંદર રામ અને ઉત્તમ રામ દ્વારા રજૂ કરવામાં આવેલી જામીન અરજીની સુનાવણી કર્યા બાદ ઉપરોક્ત આદેશ આપ્યો છે. નિત્યાનંદ માહતો ભાજપનો રામગઢ જિલ્લાનો મીડિયા સેલનો ઇન્ચાર્જ પણ હતો. રામગઢની ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા રામગઢના બજારતંદ ખાતે અન્સારીને રહેંસી નાખવા બદલ ૧૬મી માર્ચે દોષિત ઠરાવવામાં આવેલા ૧૧ આરોપીઓમાં આ ૮ દોષિતોનો સમાવેશ થાય છે. ગત ૨૨મી માર્ચે આ દોષિતોને ફાસ્ટટ્રેક કોર્ટે સખત આજીવન કારાવાસની સજા ફટકારી હતી. ૧૨મો આરોપી સગીર વયનો હોવાથી તેની સામે જુવનાઇલ કોર્ટમાં ખટલો ચાલુ છે.