(એજન્સી) તા.૨૫
ક્ષેત્રીય દલિત અને યુવા નેતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે, જો ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પછી ભાજપ અને આરએસએસ ફરી સત્તામાં આવશે તો તેઓ તમામ મૂળભૂત અધિકારો છીનવી લેશે જે આપણને લોકશાહી દેશમાં મળી રહ્યાં છે. મેવાણીએ ગુવાહાટીમાં અક્સોમ નાગરિક મંચ દ્વારા આયોજિત કરવામાં આવેલ નેશનલ યુથ કોન્ક્‌લેવમાં ભાગ લેતાં આ ટિપ્પણી કરી હતી. ધ સ્ટેટ ઓફ ધી નેશન એન્ડ ધ વી ફોરવર્ડ શીર્ષક હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમણે કહ્યું કે બંધારણ વિરોધી દળો એટલે કે ભાજપ અને આરએસએસ જો સત્તામાં આવશે તો તમે લખી લો કે અક્સોમ નાગરિક મંચ ફરી ક્યારેય આવું કાર્યક્રમ પણ યોજી નહીં શકે. મેવાણીએ આઈટીએ સાંસ્કૃતિક કેન્દ્રમાં આવેલા ઓડિટોરિયમમાં સંબોધતાં કહ્યું કે ગુજરાતમાં ૧૫ વર્ષો સુધી ચાલેલા ફાસીવાદના શાસનનો હું સાક્ષી રહ્યો છું. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી બાદ જે પણ વ્યક્તિ દલિતોના અધિકારો, લઘુમતીઓના અધિકારો તથા તેમની વિરુદ્ધ આચરાતી હિંસા મામલે લડશે તેને પકડીને જૂઠ્ઠા કેસોમાં ફસાવી જેલના સળીયા પાછળ ધકેલી દેવાશે કાં તો તેમને ગૌરી લંકેશની જેમ મોતના ઘાટ ઉતારી દેવાશે. તેમણે કહ્યું કે ફાસીવાદી ભાજપ અને આરએસએસ ગમે તે હદ વટાવી શકે તેમ છે. ગૌરી લંકેશ હત્યા મામલે ફાઈલ કરવામાં આવેલી તપાસમાં ખૂલાસો થયો હતો કે સંઘ પરિવાર સાથે સંકળાયેલા એક સંગઠને ૪૩ બુદ્ધિજીવિઓની યાદી તૈયાર કરી હતી જેમને મોતને ઘાટ ઉતારવાના હતા. આ ખરેખર ઘાતક છે. આપણને પણ હવે આપણા ઘરના બારણે જ ગોળી મારી દેવાની ઘટનાઓ બની શકે છે. મેવાણીએ ચોકીદાર મામલે કહ્યું કે આજે દેશમાં સફાઈ કામદારો અને ચોકીદારો અનેક પડકારોનો સામનો કરી રહ્યાં છે. તેમની પાસે પાયાની સુવિધાઓ પણ નથી. હું એક સ્વતંત્ર ધારાસભ્ય છું અને દેખાવકાર છું પણ ચોકીદાર નથી. દેશમાં ૯૦ ટકા સફાઈ કામદારો એવા છે જેમને ન્યૂનતમ મજૂરી પણ મળતી નથી. ગુજરાતની વિધાનસભાની જ આવી હાલત છે. તેમણે કહ્યું કે સરકાર મહત્ત્વના મુદ્દાઓને દબાવી રહી છે અને ભાજપને જ ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કરે છે. જો મોદીએ પીએમ બનવું છે તો બને પણ તેઓ હિન્દુ મુસ્લિમ વચ્ચે ભાગલા ન પડે. નોકરીઓ ક્યાં છે? આગામી દિવસોમાં આપણે મહત્ત્વના મુદ્દાઓ પર જ ધ્યાન આપવાની જરૂર છે.