Ahmedabad

દલિત વિરોધી ભાજપ સરકારનો બહિષ્કાર કરવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ઘોષણા

અમદાવાદ, તા.૧૪
દલિતોને વરઘોડો નહીં કાઢવા દેવાના વિવાદમાં આજે દલિત યુવા નેતા અને વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ઝંપલાવ્યું હતું તેમણે આ સમગ્ર મામલે ભાજપ સરકાર અને પોલીસ તંત્રને આડાહાથે લીધા હતા. મેવાણીએ દલિતોનો બહિષ્કાર કરનારી દલિત વિરોધી ભાજપ સરકારનો હવે ગુજરાત સહિત દેશભરમાં સામાજિક બહિષ્કાર કરવાની ઘોષણા કરી હતી. જેના ભાગરૂપે આગામી તા.૧૮મી મેના રોજ સાણંદની નાની દેવકી ગામ અને તા.૨૨મી મેના રોજ કડીના લ્હોર ગામે વિશાળ દલિત સંમેલન બોલાવવામાં આવ્યું છે. અરવલ્લીના મોડાસાના ખંભીસર, પ્રાંતિજના સીતવાડા અને કડીના લ્હોર, પ્રાંતિજના બોરીયા અને વડાલીના ગાજીપુર ગામે દલિતોના લગ્નપ્રસંગમાં વરઘોડો નહીં કાઢવા દેવા બદલ અને ઉલ્ટાનું પોલીસ તંત્ર દ્વારા દલિતોને જ ટાર્ગેટ બનાવી થઇ રહેલા અત્યાચારને લઇ આજે અમદાવાદમાં જીગ્નેશ મેવાણીએ એક મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મેવાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહમાં દલિતોને વરઘોડો નહીં કાઢવા દેવાની સામે આવેલી પાંચથી છ ઘટનાઓ ગુજરાત માટે કલંકિત અને શરમજનક છે. ભાજપ સરકારના કુશાસનમાં હવે દલિતો માટે ગુજરાત જાણે નર્કસમાન બની રહ્યું છે. આટલી ગંભીર ઘટનાઓ ઘટવા છતાં હજુ સુધી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ભાજપના દલિત ધારાસભ્યો કે નેતાઓ એકપણ શબ્દ બોલ્યા નથી અને માત્ર મૂકપ્રેક્ષક બનીને તમાશો જોઇ રહ્યા છે. મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાને દલિતો પર અત્યાચાર નહીં કરવા અનુરોધ સુદ્ધાં કર્યો નથી. આ પ્રકારની ઘટનાઓ બનવા છતાં મુખ્યમંત્રી દલિતોના મિત્ર બન્યા નથી. એટલું જ નહીં, આટલી ગંભીર ઘટનાઓ છતાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપી કે ભાજપના નેતાઓએ હજુ સુધી એકપણ ગામની મુલાકાત લીધી નથી. મેવાણીએ ખંભીસરના કિસ્સામાં દલિતોને ગાળો ભાંડનાર અને બેહૂદુ વર્તન કરનાર અરવલ્લી ડીવાયએસપી ફાલ્ગુની પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા અને તેમની વિરૂદ્ધ એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધવા માંગણી કરી હતી. મેવાણીએ દલિતોના અત્યાચાર મુદ્દે ગુજરાતના તમામ જિલ્લાઓમાં માર્ગો પર ફરી ચક્કાજામ કરવાથી લઇ સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવવા સુધીની લડતની ચીમકી ઉચ્ચારી હતી.
દલિત આગેવાન માર્ટિન મેકવાને કહ્યું કે, પાંચેય ગામમાં પહેલીવાર વરઘોડો કાઢવામાં આવ્યો હતો, પરંતુ તે કાઢવા દીધો નહોતો. સરકારને આગોતરી જાણ હોવા છતાં આ બનાવ બન્યો હતો. જેથી સમગ્ર મામલામાં સરકાર અને પોલીસની મિલીભગત સ્પષ્ટ થાય છે.

મેવાણીએ વડાપ્રધાન મોદીને પડકાર ફેંકયો

મેવાણીએ સમગ્ર મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન તાક્યું હતું અને જણાવ્યું હતું કે, મોદી અલવર ગેંગરેપ મામલે નિવેદનો કરે છે તે પરંતુ તેમના ગુજરાતમાં દલિતો પર અત્યાચાર થયા તે મુદ્દે ચુપકીદી સેવે છે. મારી વડાપ્રધાન મોદીને ચેલેન્જ છે કે, તેઓ ગુજરાતના હાલના દલિતો પર અત્યાચારના કેસો મુદ્દે અમારી સાથે ધરણાં પર બેસે તો, અમે રાજસ્થાન અલવરમાં ગેંગરેપ મામલે રાજસ્થાન સરકાર સામે વિરોધમાં તમારી સાથે રહીશું. મોદી માત્ર મસમોટી વાતો કરી જાણે છે, તેમને ગુજરાતના દલિતોની કંઇ પડી નથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.