ગાંધીનગર,તા.૧૭
સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસનો દાવો કરનારી ગુજરાતની ભાજપ સરકારના બજેટમાં લઘુમતી સમાજ માટે એક રૂપિયો પણ ફાળવાયો નથી. રાજ્યના મુખ્યમંત્રી ખુદ લઘુમતી એટલે જૈન સમાજમાંથી આવે છે તેમ છતાં બજેટમાં લઘુમતી સમાજ માટે એક રૂપિયો પણ કેમ ફાળવાયો નથી ? ફરીવાર વડાપ્રધાન પદના શપથ લેતા પહેલાં નરેન્દ્ર મોદીએ લઘુમતી સમાજ માટે ખૂબ ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ વડાપ્રધાનની લાગણીને સમજ્યા વગર નીતિન પટેલે બજેટમાં લઘુમતી સમાજ માટે કોઈ જોગવાઈ કરી નથી. જેના પરથી કહી શકાય કે ‘ગુજરાતનો કેન્દ્રને અન્યાય’ એમ ગુજરાતના બજેટ પર પ્રતિક્રિયા આપતા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું છે. વડગામના ધારાસભ્ય મેવાણીએ વધુમાં કહ્યું હતું કે, વર્ષ ર૦૧૯-ર૦ના તાજેતરમાં રજૂ થયેલ બજેટમાં ગુજરાતની વિજય રૂપાણી સરકાર દ્વારા માયનોરીટી માટે એક રૂપિયો પણ ફાળવવામાં આવ્યો નથી બલ્કે, માયનોરીટી એવા શબ્દનો પ્રયોગ સુદ્ધાં નથી જે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. આ દેશમાં બંધારણથી ઉપર કોઈ નથી અને આપણાં દેશના બંધારણના આમુખમાં ધર્મ-નિરપેક્ષ લોકતંત્રની કલ્પના કરવામાં આવી છે.જેનો સીધો મતલબ એ છે કે, કેન્દ્ર અને જુદા-જુદા રાજ્યોની સરકારોએ ધર્મભેદ વિના પોતાનો વહીવટ કરવાનો થાય પરંતુ બજેટમાં લઘુમતી સમાજ માટે એક રૂપિયો પણ નહીં ફાળવી ને બલ્કે લઘુમતી સમાજનો નામોલ્લેખ પણ ટાળીને ગુજરાત સરકારે પોતાનો પૂર્વગ્રહ છતો કર્યો છે ઉલ્લેખનીય છે કે, લઘુમતી સમાજનો મતલબ માત્ર મુસ્લિમ નથી થતો એમા શીખ, બૌદ્ધ, પારસી, કિશ્ચિયન વગેરેનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં આ તમામ લઘુમતી સમુદાયોનો સરવાળો કરીએ તો એમની કુલ સંખ્યા અંદાજે ૧૧ ટકાથી પણ વધુ થાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે જૈન હોવાને નાતે લઘુમતી સમાજમાંથી આવે છે પરંતુ અમેના બજેટમાં લઘુમતી સમુદાયો માટે એક રૂપિયો પણ ન હોય એ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના એમના દાવાની પોલ ખોલી નાખે છે. બજેટ રજૂ કરનાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા વારંવાર ગૃહમાં અમારૂં બજેટ રૂપિયા ર લાખ કરોડનું એ ગાઈ-વગાડીને કહેવામાં આવ્યુ પરંતુ આ બજેટમાં ર રૂપિયા પણ લઘુમતી સમાજ માટે નહીં ફાળવીને મૂળ તો એમનો મુસ્લિમ સમાજ અને બીજા લઘુમતી સમાજો પરત્વેનો પોતાનો પૂર્વગ્રહ જ વ્યક્ત કર્યો છે. વધુમાં જણાવવાનું કે, ગુજરાતમાં વધી રહેલા જાતિવાદ અને દલિત અત્યાચારને પગલે દલિત સમાજનો એક મોટો વર્ગ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી ચૂકેલો છે પરંતુ આ બૌદ્ધ, પારસી, ક્રિશ્ચિયન સમુદાય માટે પણ બજેટમાં કોઈ જ જોગવાઈ કરવામાં આવી નથી.

હવે પછીના તમામ બજેટમાં
લઘુમતી સમાજ માટે વિશિષ્ટ જોગવાઈ કરો

જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, સચ્ચાર કમિટીના અહેવાલમાં આપણે જોયું છે કે, ગુજરાતમાં અને સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજની સામાજિક આર્થિક સ્થિતિ દલિત અને આદિવાસી સમાજ જેટલી જ અથવા તો અમુક ઠેકાણે એમના કરતાં પણ વધુ બદતર છે. ગુજરાતના જે બાળકો કૂપોષિત છે અને જે સમાજના વિદ્યાર્થીઓ સૌથી વધુ શાળાઓમાંથી ડ્રોપ આઉટ થઈ જાય છે. એમાં મોટાભાગના બાળકો આ જ વંચિત સમુદાયોમાંથી આવે છે. નીતિન પટેલે બજેટ રજૂ કરતા પૂર્વ એકવાર સચ્ચાર કમિટીનો અહેવાલ વાંચી જવાની જરૂર હતી ર લાખ રૂપિયાના બજેટમાંથી લઘુમતી સમાજ માટે ર રૂપિયા પણ ફાળવવામાં ન આવે તે આ દેશના લોકતંત્ર માટે સારૂં લક્ષણ નથી, સૌનો સાથ, સૌનો વિકાસમાં સરકારે નવું નવું જે સૌનો વિશ્વાસ પણ જોક્યું છે એ વિશ્વાસનું સંપાદન આ રીતે નહીં થાય એ વિજય રૂપાણી સરકારે સમજવાની તાતી જરૂર છે. ગુજરાતમાં ન લઘુમતી આયોગ છે, ન લઘુમતી મંત્રાલય છે. ના એના માટે કોઈ સ્પેશિયલ પેકેજ છે. આ એમના વિકાસની કોઈ બ્લૂ-પ્રિન્ટ આ સ્થિતિમાં અમો ધારાસભ્ય તરીકે અને ગુજરાતના એક જવાબદાર ધર્મનિરપેક્ષ નાગરિક તરીકે વિજય રૂપાણી સરકારના આ બજેટને વખોડીએ છીએ અને માગ કરીએ છીએ કે હવે પછીના તમામ બજેટમાં લઘુમતી સમાજ માટે વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવે અને ગુજરાતમાં લઘુમતી આયોગ અને લઘુમતી મંત્રાલયની સ્થાપના કરવામાં આવે. જો આ ન કરવામાં આવે તો અમે રૂપાણી સરકારના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના નારાને નર્યા દભ સિવાય કઈ માનતા નથી, એમ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું છે.