(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૦
સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે વિધાનસભામાં રજૂ થનારા બિલ અંગે અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વિરોધ નોંધાવ્યો હતો. મેવાણીએ વિધાનસભા પરીસરમાં જ આ બિલને સળગાવીને વિરોધ વ્યકત કરતા કહ્યું હતું કે કોઈપણ સંજોગોમાં આ બિલ રોકાવું જોઈએ. ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રમાં ત્રણ દિવસ માટે સસ્પેન્ડ થયેલા અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આવતીકાલે બુધવારે વિધાનસભામાં રજૂ થનારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી રચના અંગેના વિધેયકની નકલને સળગાવીને વિરોધ વ્યકત કર્યો હતો. બિલ સળગાવતી વખતે જિગ્નેશે કહ્યું કે, આ બિલને સળગાવીને હું મારો વિરોધ પ્રદર્શિત કરૂં છું. ગુજરાતના અનુસૂચિત જાતિ અને જનજાતિના દલિત-આદિવાસી ધારાસભ્યોને અપીલ કરૂં છું કે અનુસૂચિત જનજાતિના ર૭ અને દલિત સમાજના ૧૩ ધારાસભ્યો છે. આ તમામ ધારાસભ્યો સાથે મળી આ બિલનો વિરોધ કરે, પોતાનો રોષ પ્રગટ કરે. કોઈપણ સંજોગોમાં આ બિલ રોકાવું જોઈએ. ગુજરાતમાં આદિવાસી સમાજને તેમના બંધારણીય અધિકારો મળતા નથી અને બંધાણીય અધિકારોનું હનન થઈ રહ્યું છે એટલા માટે બિલની કોપી સળગાવું છું. મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે આવતીકાલે ગૃહમાં રજૂ થનારૂં આ બિલ કોઈપણ સંજોગોમાં રોકાવું જોઈએ કારણ કે આજે પણ આદિવાસી સમાજના હકકોનું હનન થઈ રહ્યું છે. અટલું જ નહીં ગુજરાતમાં આજે પણ આદિવાસીઓને બંધારણીય હકકો મળતા જ નથી. જો આવતીકાલે આ બિલ પસાર થશે તો આદિવાસી લોકો તેમના ધંધા-રોજગાર કરી શકશે નહીં. મેવાણીએ વધુમાં ઉમેર્યું કે, આવતીકાલે રજૂ થનારા આ બિલ સમયે હું ગૃહમાં ઉપસ્થિત રહી શકું તેમ નથી. તેમ કહી બિલ સળગાવીને વિરોધ વ્યકત કર્યો હતો. ત્યાર બાદ સંકુલમાં સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરતા જિગ્નેશ મેવાણી અને તેમના સમર્થકોને પોલીસે ડિટેઈન કર્યા હતા.