(એજન્સી) પટણા, તા.ર૬
બિહારની રાજધાની પટણામાં સીપીઆઈની રેલીમાં ગુરૂવારે તમામ વિપક્ષી દળોના નેતા એકજૂથ થયા હતા અને ર૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ઉખાડી ફેંકવાનો સંકલ્પ લીધો હતો. રેલીને સંબોધિત કરતા જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયાકુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર જોરદાર હુમલો કર્યો હતો. કનૈયાએ જણાવ્યું કે ભાજપ શ્રીકૃષ્ણસિંહની જયંતીના બહાને રાજકીય લાભ લેવા ઈચ્છે છે પરંતુ તે આ ભૂલી ગઈ કે શ્રીકૃષ્ણસિંહનો ક્યારેય ભાજપ સાથે કોઈ સંબંધ ન હતો. કનૈયાએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશમાં બીનજાહેર કટોકટી લાગુ છે તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ પોતાના સાથીને મળવા એમ્સ પહોંચ્યા તો ડૉકટરની વેશ-ભૂષામાં મોદી-મોદીનું રટણ કરનારાઓએ ત્યાંથી જતા રહેવા માટે જણાવ્યું. તેમણે કહ્યું કે તેઓ અમિત શાહના પુત્ર નથી કે જે કૌભાંડ કરી લે તો પણ જેલ નહીં જાય. કનૈયાએ જણાવ્યું કે તે સામાન્ય માણસ છે અને દેશના કાયદાનું પાલન કરવાનું જાણે છે.
કનૈયા પહેલા દલિત નેતા અને ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ વડાપ્રધાન મોદી પર જોરદાર હુમલો કર્યો. સ્થિતિ એ હતી કે તેમણે પોતાના પ મિનિટના ભાષણમાં છ વખત વડાપ્રધાન મોદીને અપશબ્દો કહ્યા. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની “ભાજપ હરાવો દેશ બચાવો” રેલીને સંબોધિત પૂરતા જીગ્નેશે ૬ વખત વડાપ્રધાનને નમક હરામ કહીને સંબોધિત કર્યા. તેમણે મોદીને કેપ્ટન કહીને સંબોધિત કર્યા અને જણાવ્યું કે તેઓ નમક હરામ છે અને તેમની સૌથી વધુ નમક હરામી ગુજરાતના લોકોએ જોઈ છે. તેમણે વડાપ્રધાન પર કટાક્ષ કરતા જણાવ્યું કે ગુજરાતે આવું મેન્યુફેકચરિંગ ડીફોલ્ટવાળો પીસ દિલ્હી મોકલી દીધો, તેના માટે તે બિહાર સહિત દેશની ૧૩૦ કરોડ જનતા પાસે માફી માંગે છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન કેટલા નમક હરામ છે. આ વાતનો અંદાજ તો તેનાથી જ લગાવી શકાય છે કે ગુજરાતમાં ઉત્તર ભારતીયોને મારવામાં આવી રહ્યા હતા પરંતુ આ નમક હરામની જીભમાંથી એક શબ્દ પણ નિકળી શક્યો નહી.
દશરથ માંઝાનો ઉલ્લેખ કરતા કનૈયાએ જણાવ્યું કે બિહાર દશરથ માંઝાની માટી છે, જેણે જે પ્રણ કરી લીધો તે પૂરો કરીને રહેશે. તેમણે વડાપ્રધાન મોદીને હટાવવા માટે ફિલ્મી ડાયલોગ બોલ્યા અને જણાવ્યું કે જ્યાં સુધી તોડીશું નહીં ત્યાં સુધી છોડીશુ નહી. પોતાના ભાષણમાં અંતમાં કનૈયાએ આઝાદીનું ગીત પણ ગાયું અને લોકોને આઝાદી મેળવવા માટે આગળ વધવા અને સંઘર્ષ કરવાનું આહ્‌વાન કર્યું. જણાવી દઈએ કે આ રેલીમાં સીપીઆઈ ઉપરાંત અન્ય ડાબેરી પક્ષ, કોંગ્રેસ, આરજેડી, સપા સહિત તમામ વિપક્ષી દળોના લોકોએ ભાગ લીધો હતો.