(સંવાદદાતા દ્વારા) પાલનપુર, તા.૨
વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સમગ્ર બનાસકાંઠા અને વડગામને અછતગ્રસ્ત જાહેર કરવા માટે વડગામથી પાલનપુર સુધી પદયાત્રા શરૂ કરી શુક્રવાર બપોરે ખેડૂતોને સાથે કલેકટર કચેરીએ પહોચ્યા હતા. જ્યાં ભારે સુત્રોચ્ચાર સાથે કલેકટર કચેરીને ગજવી આવેદનપત્ર આપ્યું હતુ. બનાસકાંઠા જિલ્લામાં પૂર્વના ચાર તાલુકાને બાદ કરતાં બાકીના તાલુકા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. બાકી રહી ગયેલા ચાર તાલુકામાં પાલનપુર, વડગામ, દાંતા અને અમીરગઢ તાલુકાનો સમાવેશ થાય છે. આ તાલુકાઓમાં પણ વર્તમાન સમયે પાણીની તંગી પડી રહી છે. વડગામ તાલુકામાં ચોમાસુ વરસાદ નહિવત છે અને સિંચાઇ માટે મુક્તેશ્વર ડેમમાં અને કરમાવત સરોવરમાં પાણી ખુબ જ ઓછુ છે. તેમજ સિંચાઇ માટે પણ પાણીની જરૂરી વ્યવસ્થાન ન હોવાથી ખેડૂતોના પાકો સુકાઈ રહ્યા છે. તેમને વીમા પણ મળતા નથી. જેને લઈ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સમગ્ર બનાસકાંઠા જિલ્લાને અને વડગામ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા મુક્તેશ્વર અને કરમાવતમાં નર્મદા ડેમનું પાણી મળે તે માટે વડગામથી પાલનપુર સુધીની પદયાત્રા શરૂ કરી હતી. જે પદયાત્રામાં ગામેગામથી લોકો જોડાયા હતા. અને શુક્રવારે બપોરે આ યાત્રા પાલનપુર ખાતે કલેકટર કચેરીએ પહોંચી હતી. જ્યાં ખેડૂતોએ જિજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં ભારે સૂત્રોચ્ચાર કરી કલેકટર કચેરીને ગજવી હતી. તેમજ કલેકટરને આવેદનપત્ર આપી સમગ્ર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની ઉગ્ર માંગ કરી હતી.
જિગ્નેશ મેવાણીની વડગામથી પાલનપુર સુધીની પદયાત્રા : કલેક્ટરને આવેદનપત્ર

Recent Comments