અમદાવાદ, તા.૨૪
રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રજાસત્તાક દિવસની ઉજવણીનાં ભાગરૂપે બનાસકાંઠા જશે. આ સમયે બનાસકાંઠા જિલ્લાનાં વડગામનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી એ કહ્યું કે, મુખ્યમંત્રી રૂપાણીનું બનાસકાંઠામાં સ્વાગત છે પણ અહીંનાં લોકોનાં સળગતા સવાલોનું શું ?”
મેવાણીએ રૂપાણીને એક ખુલ્લો પત્ર લખ્યો છે અને સ્થાનિક મુદ્દા ઉઠાવ્યા છે. આ પત્રના કેટલાક અંશો અત્રે પ્રસ્તુત કર્યા છે. જેમાં જીગ્નેશે કહ્યું હતું કે, આપ આવતીકાલે ૭૦મા ભારતીય પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે બનાસકાંઠા આવી રહ્યા છો તે જાણીને હર્ષની લાગણી અનુભવી રહ્યો છું. રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ બનાસકાંઠા જિલ્લામાં ધ્વજવંદન માટે આવે અને ગુજરાતી જનતા જોગ જાહેર સંદેશ આપે જે બનાસકાંઠા માટે આનંદનો વિષય છે. પરંતુ, આ જિલ્લામાં જ મારો મતવિસ્તાર વડગામ પણ આવેલ હોઈ હું બરાબર પરિચિત છું કે, બનાસકાંઠા જિલ્લાની જનતા ભારે મુશ્કેલીઓમાં જીવી રહી છે અને સમગ્ર નાગરિક સમાજ આપની સરકારના વહીવટથી ખુબ જ નારાજ અને દુખી છે.
સૌપ્રથમ તો આપ સાહેબને જણાવવાનું કે, બનાસકાંઠા જિલ્લામાં આપ જાણો જ છો એમ આજે દુકાળની પરિસ્થિતિ છે. પીવાના પાણી, સિંચાઈનું પાણી, ઘાસ ચારો, રોજગારીની ખૂબ અછત વર્તાઈ રહી છે. આ સ્થિતિને ડામવામાં અઆપની સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. દુકાળ મેન્યુઅલનો અમલ થયો નથી, અછતની કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી,ખેડૂતો કઈ દશામાં જીવે છે એની સરકારને કોઈ દરકાર હોય એવું લાગતું નથી. યુવાનો અને ગામડાના ગરીબ માણસો બેરોજગાર છે. આપની સરકારે તો ગરીબ માણસને ટકી રહેવાનો આશરો આપનારી નરેગાની યોજના પણ બંધ કરી દીધી છે. નવી રોજગારીની કોઈ વાત થતી નથી અને ભરતી થવાની હોય એમાં પેપર લીક થઈ જાય છે,ખેડૂતોને ટેકાના ભાવ પણ મળતાં નથી, ઉપરથી માગફળી કૌભાંડમાં આપના નેતાઓ જનતાના કરોડો કમાઈ ગયા !
વધુમાં, પાલનપુરની એકમાત્ર સીવીલ હોસ્પિટલને પણ ખાનગી હાથોમાં પધરાવી દીધી. બનાવવી જ હોય તો સરકારી મેડિકલ કોલેજ બનાવો, ૫૦-૬૦ લાખ ફી ભરીને તો આપના વાઈબ્રન્ટ ગુજરાતમાં આવતા કરોડપતિઓના દીકરા-દીકરીઓ સિવાય ભણશે કોણ !? ગરીબ વિદ્યાર્થીઓનું તો હજુ જ નથી. લડબી નદીનો પ્રશ્ન પણ ગંભીર છે. તમે જેને ‘મા’ લડબી કહીને સંબોધો છો એની છાતી ચીરીને ભાજપના મળતીયા બિલ્ડરોએ ભ્રષ્ટાચારના મકાનો ઊભા કરી એક ખળખળ વહેતી નદીને ગંદુ નાળુ બનાવીને મૂકી દીધું છે. આપમાં પ્રામાણિકતાનો એક પણ અંશ બચ્યો હોય તો આ નદી ઉપર બંધાયેલા તમામ ગેરકાયદેસર બાંધકામ તોડાવી લડબી નદીને એની મૂળ સ્થિતિમાં વહેતી કરી બતાવો !
વડગામની વાત કરૂં તો આપ જે પક્ષ સાથે જોડાયેલા છો તેના અનેક નેતાઓ દ્વારા ભૂતકાળમાં ચૂંટણી ટાણે વચન આપવામાં આવતું રહ્યું છે કે, મુક્તેશ્વર ડેમ અને કરમાવત તળાવમાં નર્મદાનું પાણી લાવીશું. પરંતુ આજ દિન સુધી ખોખલા વચન સિવાય આ દિશામાં એક પૈસાનું કામ થયું નથી.મારી શુદ્ધ જાણકારી મુજબ નર્મદાની કેનાલ અહીંથી ફકત ૧૬ કિલોમીટરની અંતરે છે, જો તેનું પાણી મુક્તેશ્વર ડેમ સાથે જોડી દેવામાં આવે તો ફક્ત વડગામ જ નહીં, પાલનપૂર અને ખેરાલુ તાલુકા સહિત ૧૦૦ થી વધુ ગામોને તેનો લાભ મળે અને ત્રણેય તાલુકાની તાસીર બદલાઈ જાય. માત્ર વડગામ માટે નહીં પરંતુ આ ત્રણેય તાલુકાના હજારો ખેડૂતો વતી આપને આગ્રહભરી વિનંતી કરૂં છું કે, પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અમને આ ભેટ તમે આપતા જાઓ. નહીંતર એવું લાગશે કે, મોટા નેતાઓની જેમ આપના નેતાઓ પણ જુમલાઓ જ આપી રહ્યા છે.
પ્રજાના પ્રશ્નોને લઈને મેવાણી
મુખ્યમંત્રીનો ધેરાવ કરશે
આ મુદ્દે, આપની મુલાકાતનો સમય માંગ્યો હતો પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિને પણ આપ સંતોષકારક જવાબ આપી શક્યા નથી. બની શકે કે, આપ ૨૦૧૯ના કારણે વ્યસ્ત હોવ,આવતા ચાર મહિના હું પણ વ્યસ્ત છું, પણ જૂન મહિનાથી ઉપરોકત દરેક સવાલ ઉપર આપને ઘેરવાનો છું. તિરંગો લહેરાવીને ફોટા પડાવી જતા રહેવાને બદલે ઉપરોક્ત સવાલોનું નિરાકરણ લાવી બતાવો તો પ્રજાસત્તાક દિનની ઉજવણી લેખે લાગે. ખાસ એ પણ યાદ અપાવવાનું કે આપની સરકારના ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ નારામાંથી જે રીતે દલિત-મુસ્લિમ સમાજ, શોષિતો, વંચિતો, આદિવાસીઓની બાદબાકી કરવામાં આવી છે તે આપણા દેશના બંધારણના અમુખમાં જે ધર્મનિરપેક્ષ લોકતંત્રની ભાવના વ્યક્ત કરવામાં આવી છે તેની સાથે સુસંગત નથી તે આ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આપને અને આપની સરકારને સમજાય તેવી આશા રાખું છું. એમ અંતમાં વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું.