અમદાવાદ, તા.૬
ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને શુટ કરી નાખવાની ધમકી ફોન ઉપર મળતા ખળભળાટ મચી ગયો છે ત્યારે આ મામલે જિગ્નેશ મેવાણીએ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. પોતાની સુરક્ષા અંગે મેવાણીએ જણાવ્યું કે, ઘણા સમયથી મને ધમકીઓ મળતી હોવાથી સુરક્ષા આપવા માટે સરકારને રજૂઆત કરાઈ હતી. પરંતુ સરકારને મારી સુરક્ષાની કોઈ પડી જ નથી. ગુજરાતના અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ ટ્‌વીટર પર એક ટિ્‌વટ કરી હતી. જિગ્નેશ આ ટિ્‌વટમાં લખ્યું હતું કે, મને ફોન કરી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધમકી આપનારે કહ્યું કે, તે જિગ્નેશને શૂટ કરી નાખશે. જિગ્નેશ મેવાણીની સાથે જ રહેતા તેના મિત્ર કૌશિક પરમારે જિગ્નેશના મોબાઈલમાં ફોન કરી આ ધમકી મળી હોવાનું જિગ્નેશને જણાવ્યું હતું. આ વિશે જિગ્નેશે ટ્‌વીટર પર હિન્દીમાં ધમકી આપનારની વાત લખતા કહ્યું હતું કે, કોઈ રણવીર મિશ્રાનો ફોન હતો અને કહ્યું કે, જિગ્નેશ મેવાણી હો તો તેને ગોળી મારી દઈશ. જિગ્નેશની આ ટિ્‌વટના કારણે સોશિયલ મીડિયા પર પણ ભારે પ્રતિક્રિયાઓ મળી રહી છે. જો કે, આ મામલે પ્રતિક્રિયા આપતા સમક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, થોડાક મહિનાઓ મહિનાઓ પહેલાં ગુજરાતના એક ડઝન જેટલા દલિત સંગઠનો દ્વારા મારી સુરક્ષા અપગ્રેડ કરી વાય કેટેગરીની સુરક્ષા આપવાની માંગ કરી હતી તેમ છતાં મારી સુરક્ષામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જો કે, ગુજરાતની અંદર મારી સુરક્ષા માટે સરકારે માત્ર એક જ ગાર્ડ આપ્યો છે તે પણ ગુજરાતની બહાર જઉ છું ત્યારે આ ગાર્ડની સુરક્ષા પણ હટી જાય છે ત્યારે મારે કહેવું છે કે, મારા ઉપર હુમલો કરનારા તત્ત્વો શું ગુજરાતમાં હુમલો કરશે ? શું ખાતરી કે તેઓ ગુજરાત બહાર મારી પર હુમલો નહીં કરે ? ત્યારે સરકારે મારી સુરક્ષા માટે ચિંતા રાખીને મારી સુરક્ષામાં વધારો કરવો જોઈએ તેમજ હું જે રાજ્યમાં જાઉં ત્યાંની પોલીસને ફોન કરી તથા મૌખિક રીતે સૂચના આપીને મારી સુરક્ષા માટે પોલીસ એસ્કોર્ટની વ્યવસ્થા કરે તે જરૂરી છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી જિગ્નેશ મેવાણીને ધમકીઓ મળી રહી છે ત્યારે તેની સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ સાથે મેવાણીને વાય કક્ષાની સુરક્ષા પૂરી પાડવા માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તથા સાથી સંગઠનો ગુરૂવારે રાજ્યના પોલીસ વડાને આવેદનપત્ર પાઠવશે.