(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૩
બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પરથી ભાજપની સામે વિધાનસભા ચૂંટણી લડી રહેલા દલિત યુવા નેતા જીગ્નેશ મેવાણીને મતદાનના આગલા દિવસે આજે તંત્રના માણસો અને પોલીસ દ્વારા ટોર્ચર કરાયાના સમાચારને પગલે ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. આવતીકાલે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન છે ત્યારે આજે આગલા દિવસે દલિત નેતા જીગ્નેશ મેવાણીને પોલીસ દ્વારા ભારે કનડગત કરાઇ હોવાની ફરિયાદ સામે આવી હતી. જીગ્નેશ મેવાણીએ આ સમગ્ર મામલે ભાજપના કાર્યકરો દ્વારા દારૂની રેલમછેલ અને પૈસાના જોરે મતો ખરીદવા સહિતના ગંભીર આરોપ લગાવ્યા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, વડગામ બેઠક પરથી ભાજપને હરાવવા મેદાને પડેલા દલિત યુવા નેતા જીગ્નેશ મેવાણીની ઓફિસ પર આજે વહેલી સવારથી જ પોલીસ તંત્ર દ્વારા વારેઘડીયે દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમને અને તેના માણસોને ભારે હેરાન-પરેશાન કરી નંખાયા હતા. જીગ્નેશ મેવાણીની કનડગતને લઇ મતદાનના આગલા દિવસે ફરી એકવાર રાજકારણ ગરમાયું હતું. જીગ્નેશ મેવાણીએ આ સમગ્ર મામલે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, વહેલી સવારથી જ પોલીસ તંત્રના માણસો દ્વારા તેમની ઓફિસો પર વારેઘડીયે દરોડા પાડી ખોટી રીતે હેરાનગતિ અને કનડગત પહોંચાડાઇ રહી છે. બીજીબાજુ, ભાજપના કાર્યકરો-માણસો દારૂની રેલમછેલ ચલાવી પૈસાના જોરે મતો ખરીદવાનું ગંદુ રાજકારણ કરી રહ્યા છે. ભાજપના માણસો જીગ્નેશ મેવાણીને મત નહી આપવાના રૂ.બે હજાર અને ભાજપને મત આપવાના રૂ. પાંચ હજાર આપીને લોકોને લલચાવી રહ્યા છે. આ સમગ્ર મુદ્દે ચૂંટણી પંચ અને પોલીસ સત્તાવાળાઓ બિલકુલ મૌન સેવીને બેસી રહ્યા હોવાથી મેવાણીએ તે અંગે પણ ગંભીર સવાલ ઉઠાવ્યો હતો. જીગ્નેશ મેવાણીએ ગુજરાતની જનતાને જાગૃત બની મતદાન કરવા અપીલ કરી હતી.