(સંવાદદાતા દ્વારા) પાલનપુર, તા.ર
બનાસકાંઠા જિલ્લાની સળગતી સમસ્યાઓને લઈને વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એક્શન મોડમાં આવ્યા છે. જીગ્નેશ મેવાણીએ આજે જિલ્લાના પ્રશ્નો મામલે રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
પાલનપુરની લોકમાતા લડબી નદીમાં થયેલા દબાણો, પાલનપુર સિવિલનું ખાનગીકરણ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ખેડૂતોને પાક વીમો ન મળવા બાબત, ખેડૂતોને ટેકાના ભાવ આપવા બાબત, સેટેલાઇટ સર્વેમાં થયેલી ખોટી માપણી, પૂર બાદ પુનઃવસન, પાટીદાર અત્યાચાર, દલિત-શોષિતોની જમીન માગણી, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગ પ્રથા બંધ કરવા સહિતની વિવિધ સમસ્યાઓને લઈને આજે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પાલનપુરમાં રેલી યોજી હતી. જિલ્લાના પ્રાણ પ્રશ્નો મામલે જીગ્નેશ મેવાણીએ પાલનપુરના દિલ્હીગેટથી કલેકટર કચેરી સુધી રેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો તેમની સાથે જોડાયા હતા. જીગ્નેશ મેવાણીએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
આ પ્રસંગે જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, લડબી નદીમાં રહેલા મોટા બિલ્ડરોના દબાણો કમલમ અને ભાજપના નેતાઓના ઈશારે દૂર થતા નથી. તેઓએ આરોગ્યલક્ષી સેવા પુરી પાડવામાં સરકાર નિષ્ફ્ળ રહી હોવાના આક્ષેપો કર્યા હતા. તેઓએ વડાપ્રધાન પર વેધક ચાબખા મારતા જણાવ્યું હતું કે, સર્જીકલ સ્ટ્રાઈક પાકિસ્તાન પર નહીં ખેડૂતો, બેરોજગારો અને ભારતના નાગરિકો પર થઈ છે. પરંતુ ૨૦૧૯માં લોકો વડાપ્રધાન પર સર્જીકલ સ્ટ્રાઈક કરશે.
પાલનપુરમાં યોજાયેલી જિજ્ઞેશ મેવાણીની રેલીમાં અનેક પીડિતો જોડાયા હતા. ઘણા લાંબા સમયથી જે મહિલા આંગણવાડી અને આશાવર્કર બહેનો પોતાના હકને લઇને લડત ચલાવી રહી છે. પરંતુ છેલ્લા બે વર્ષથી સરકાર તેમનું સાંભળતી નથી. ત્યારે રોષે ભરાયેલી આશાવર્કર બહેનો પણ જિજ્ઞેશ મેવાણીની રેલીમાં જોડાઈ હોવાની પિંકીબેન નામની આશાવર્કર બહેને જણાવ્યું હતું.
જીગ્નેશ મેવાણીની રજૂઆતને જિલ્લા કલેકટરએ પણ ગંભીરતાથી લીધી હતી. તેઓએ જીગ્નેશ મેવાણીએ રજૂ કરેલા પ્રશ્નો મામલે જે-તે કક્ષાએ મોકલી યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.