અમદાવાદ, તા.ર૫
આસારામને બળાત્કારના કેસમાં જોધપુર અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે ત્યારે આ મામલે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ટ્‌વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પર આક્રમક પ્રહારો કરી કેટલાક સવાલો કર્યા છે.
રેપ કેસમાં આસારામને જોધપુર અદાલતે ફટકારેલી આજીવન કેદની સજા બાદ ગુજરાતના વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીએ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રૂપાણી પર ટ્‌વીટના માધ્યમથી આક્રમક પ્રહાર કર્યો છે. જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની છાતી પ૬ ઈંચની હોય તો ગુજરાતમાં જે ગેરકાયદે જમીન પર આસારામના આશ્રમ ઊભા છે તે જમીનોનો કબજો લઈને ભૂમિવિહીનોને આપી દે. જ્યારે અદાણીને જમીન આપવી હતી તો રર વર્ષ સુધી ખેડૂતો પર લાઠી વરસાવી હતી. હવે આસારામ આશ્રમ પર દરોડો પાડીને દેખાડો આ ઉપરાંત જીગ્નેશ મેવાણીએ સીએમ રૂપાણી પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે વિજય રૂપાણી જવાબ આપે-આખરે ક્યાં સુધી આસારામ આશ્રમના રહસ્યમય રીતે માર્યા ગયેલા માસૂમ દીપેશ-અભિષેકની સચ્ચાઈ ક્યાં સુધી દબાવશે. આ કેસમાં ડી.કે. ત્રિવેદી પંચ દ્વારા આપવામાં આવેલી તપાસનો રિપોર્ટ કેમ દબાવીને બેઠા છે. આખરે આસારામ જોડે આટલો પ્રેમ કેમ છે ??
ઉલ્લેખનીય છે કે, ગુરૂકુળની સગીર યુવતી સાથે બળાત્કારના આરોપમાં પ૬ માસથી જેલમાં બંધ આસારામને દોષિત માનીને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે.