જામનગર,તા.૧૬
જામનગરમાં એક યુવાનને પેરાલીસીસનો હુમલો આવ્યો હતો. જેમાં તેમનું બ્રેઈન ડેડ થયું હતું. તેમની પોતાની ઈચ્છા મુજબ તેઓના ત્રણ અંગોનું દાન કરવામાં આવ્યું છે. આ માટે અમદાવાદથી આવેલા તબીબોની ટૂકડી દ્વારા ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
જામનગરના જનતા ફાટક, શાંતિનગર-૩માં રહેતા જીગ્નેશ કેશવજીભાઈ વિરાણી (ઉ.વ.૪પ) ને બે દિવસ પહેલા પેરાલિસીસનનો હુમલો આવતા તેમને ક્રિટિકલ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જ્યાં તેમની સઘન સારવાર શરૃ કરવામાં આવી હતી, પરંતુ તબીબી તપાસણી દરમિયાન તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતાં.
આખરે તેમના પરિવારના સભ્યોએ નિર્ણય કર્યો કે, આ માનવ દેહ ભગવાને આપ્યો છે. તો કોઈ જરૂરિયાતવાળા દર્દીને પણ આપણે ઉપયોગી થઈએ, જો કે જીગ્નેશભાઈ પોતે પણ ઈચ્છતા હતા કે અંગદાન કરીને માનવ જીવન સાર્થક કરવું જોઈએ અને તે મુજબ નિર્ણય લેવાયો છે. શક્ય તેટલા અંગોનું દાન કરવું, અને ગત રાત્રે જ અમદાવાદની હોસ્પિટલમાંથી નિષ્ણાત તબીબોની ટૂકડી બોલાવાઈ હતી અને આખી રાત્રિ સુધી અને આજે બપોર સુધી ઓપરેશન કામગીરી ચાલુ હતી અને કિડની, લિવર અને આંખોનું દાન કરવા માટે આ અંગો કાઢવામાં આવ્યા હતાં અને અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. આમ તેમના અંગોના દાનથી બે વ્યક્તિઓને આંખો, બે વ્યક્તિઓને કિડની અને એક દર્દીને લિવર મળશે. આમ એક વ્યક્તિ જનતાં જતાં પાંચ લોકોને નવજીવન આપતી જશે જે ખરેખર સરાહનીય છે.
જામનગરના બ્રેઈન ડેડ જિગ્નેશ વિરાણીએ કિડની, લીવર અને આંખોનું દાન કર્યું

Recent Comments