(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મુહમ્મદઅલી ઝીણાના તૈલચિત્ર મુદ્દે જારી વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશની બરેલી દરગાહ દ્વારા એક ફતવો જારી કરી મુસ્લિમોને પાકિસ્તાનના સ્થાપકના ટેકામાં ઊભા નહીં રહેવા જણાવ્યું હતું. આલા હઝરત દરગાહ દ્વારા જારી ફતવામાં જણાવવામાં આવ્યું હતું કે, મુસ્લિમોએ ઝીણાનું સમર્થન ન કરવું જોઈએ. જો તે આવું કરે છે તો તે ખોટું કરી રહ્યા છે. ફતવામાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, યુનિવર્સિટીમાં ઝીણાનું ચિત્ર ન રાખવું જોઈએ. ઝીણા મુસ્લિમોના આદર્શ નથી. તેઓ દુશ્મન રાષ્ટ્રના સ્થાપક છે.
ઝીણાની તસવીર દૂર કરવા મુદ્દે હાલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સડકો પર ઉતરી આવ્યા છે. યુનિવર્સિટીના ઉપકુલપતિ તારીક મન્સૂરે એક ઓપન લેટર લખી વિદ્યાર્થીઓને સૂચન કર્યું હતું કે, તેઓ યુનિવર્સિટીની છબિ ખરડવાના કાવતરાંનો ભાગ ન બને. તેમણે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની છબિ અને પ્રતિષ્ઠાને બટ્ટો લગાવવા તેમજ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય સાથે રમત રમવા આ પ્રકારનું કાવતરૂં રચાયું છે. ઈરાદાપૂર્વક ઝીણાની તસવીરનો વિવાદ ઉછાળવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ પોતાના ભણતરને અસર થવા દેવી જોઈએ નહીં.
બીજી મેના રોજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સડકો પર ઉતરી આવ્યા હતા અને કેમ્પસમાં બળપૂર્વક ઘૂસી આવેલા કટ્ટરવાદી હિન્દુ સંગઠનોના કાર્યકરો સામે પગલાં ભરવાની માંગ સાથે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી આવ્યા હતા.