મોડાસા,તા.૧૪
મોડાસા શહેરની વ્હોરા સમાજની પ્રતિષ્ઠિત કુટુંબની યુવાન છોકરીનું અમદાવાદમાં પતંગની દોરી ગળામાં લપેટાઈ જતા અકાળે અવસાન થતાં સમગ્ર મોડાસા શહેર સાથે વ્હોરવાડમાં માતમ છવાઈ જવા પામ્યો હતો. મોડાસાના વ્હોરા સમાજના પ્રતિષ્ઠિત કુટુંબના ઉસ્માનભાઈ દૂધમલ કે જેઓ ઈલેક્ટ્રોનિક એન્જિનિયર છે. જેઓને કુટુંબમાં બે દીકરીઓ અને એક દીકરો છે. મોટી દીકરી રાહેલાબાનુ ગાંધીનગર સ્થિત ઈમ્ફોસિટીમાં એમબીએના અભ્યાક્રમમાં જોડાઈ હતી અને નાની દીકરી હબીબાબાનુ ધોરણ ૧ર સાયન્સમાં અભ્યાસ કરતી હોવાથી નીટ એક્ઝામની તૈયારી કરી શકે તેથી ઉસ્માનભાઈ મોડાસાથી અમદાવાદ વસવાટ કરવા ગયા હતા. ઉત્તરાયણના પર્વ નિમિત્તે મોટી દીકરી રાહેલાબાનુ ગાંધીનગરથી અમદાવાદ આવવા એક્ટિવા પર નીકળી હતી. તેવામાં એસજી હાઈવે પર અચાનક પતંગની દોરી તેણીના ગળામાં લપેટાઈ જતા તેનું ગળું કપાઈ જતા લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ખૂબ જ લોહી વહી જવાના કારણ રાહેલાબાનુ મોતને ભેટી હતી. તેણીના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા તેણીના પરિવારજનોના માથે આભ ફાટી પડ્યું હતું સમગ્ર વ્હોરવાડ સાથે મોડાસા શહેરમાં હડકંપ મચી જવા પામ્યો હતો. એકદમ નેક, પરેઝગાર અને દુન્યવી શિક્ષણમાં પણ હંમેશાં અગ્રેસર રહેનાર માસૂમ રાહેલાબાનુના અચાનક નિધનથી બધા જ સ્તબ્ધ થઈ ગયા હતા. ચાઈનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં લોકો દ્વારા ભારે ગફલતમાં મોજ-મસ્તીએ માસૂમનો ભોગ લઈ લીધો ત્યારે આ મોજ-મસ્તી શું કામની ? લોકોએ જાતે જ આ ઘાતક દોરીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ જેથી કોઈકની જાન બચી જાય.