(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
આરએલડીના તબસ્સુમ બેગમે ભાજપના કટ્ટર વિરોધી મૃગાંકા સિંહને કૈરાનાની પ્રતિષ્ઠિત લોકસભા બેઠક પરથી મોટા અંતરથી હરાવ્યા હતા. બેગમને કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બસપા જેવા તમામ પક્ષોનો ટેકો હતો. આગામી લોકસભા બેઠક પહેલા વિપક્ષ માટે કૈરાનાની પેટાચૂંટણી અગ્નિપરીક્ષા સમાન હતી. જીત બાદ બેગમે તરત જ નિવેદન આપ્યું હતું કે, યોગી આદિત્યનાથ કહેતા હતા કે, જો ભાજપ કૈરાનામાંથી હારી જશે તો તેઓ રાજીનામું આપી દેશે અને હવે તેમણે આવું કરવું જોઇએ. તેમના ટિ્‌વટર હેન્ડલ પરથી પણ તરત મોદીના વિકાસ એજન્ડાની મજાક ઉડાવાઇ હતી. તેમાં લખાયું હતું કે, ૯ કિલોમીટરના રોડે ભાજપને ફક્ત નવ મિનિટ જ ટકવા દીધો છે. મોદીએ તાજેતરમાં જ દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેનું ઉદ્‌ઘાટન કર્યું હતું તેના પર વિપક્ષે કટાક્ષ કરી હતી. પૂર્વ સાંસદ અને આરએલડીના નેતા જયંત ચૌધરીએ પોતાની પાર્ટીના ઉમેદવારની જીતને વધાવી લીધી હતી અને ચૂંટણી દરમિયાન કોમવાદી એજન્ડા ચલાવવા બદલ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ જીન્નાહ સામે ગન્નાનો વિજય છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે ચૂંટણી પ્રચારમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મોહંમદ અલી જિન્નાહના ફોટાનો વિવાદ છેડ્યો હતો. તેમણે મોદી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રમાં કોઇ પણ સિદ્ધિને એક વ્યક્તિના નામે કરી દેવાય છે તો કૈરાનામાં થયેલો પરાજય પણ મોદીનો પરાજય ગણવામાં આવે. કૈરાનામાં આરએલડીના તબસ્સુમ હસનને કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ સમર્થન આપ્યું હતું. મૃગાંકા સિંહના પિતા હુકુમસિંહ હિંદુ અને મુસ્લિમોના મત વિભાજન કરવામાં પ્રખ્યાત હતા. જેઓ માનતા હતા કે, મુસ્લિમોને કારણે કૈરાનામાંથી હિંદુઓને હિજરત કરવી પડી છે. તેમના આવા નિવેદનોથી ગયા વર્ષે ઉત્તરપ્રદેશમાં ભાજપે ભારે બહુમતીથી વિધાનસભા ચૂંટણીઓ જીતી હતી. મૃગાંકા સિંહે સ્વીકાર્યું હતું કે, વિપક્ષની એકતાને કારણે તેમનો પરાજય થયો છે અને ભાજપની રણનીતિ નિષ્ફળ ગઇ છે. અમે વિપક્ષની શક્તિ જોઇ અને હવે અમે મજબૂત બનવા પ્રયાસ કરીશું. જોકે, પેટાચૂંટણીઓમાં જીત મેળવનારા પક્ષો મુખ્ય ચૂંટણીઓમાં હારી જાય છે તેવી માન્યતા છે પરંતુ આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં ભગવા દળ માટે કપરાં ચઢાણ છે તે નક્કી છે.