જૂનાગઢ, તા.૧૩
જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે તાજેતરમાં જ નિમણૂક પામેલા લેઉઆ પટેલ જ્ઞાતિના અગ્રણી વિનુભાઈ અમીપરાનો શપથવિધિ સમારંભ દબદબાભેર યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસ પક્ષના સંગઠનની તાકાત-એકતા અને જૂનાગઢ શહેરના સર્વાંગી વિકાસને અગ્રતાક્રમ આપી અને આગામી લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવારને જવંલત વિજય આપવામાં આવશે તેવો નિર્દેશ પણ આપ્યો હતો. જૂનાગઢ શહેર કોંગ્રેસના નવનિયુકત પ્રમુખ વિનુભાઈ અમીપરાના આ અભિવાદન સમારોહમાં સૌરાષ્ટ્ર પ્રભારી જીતેન્દ્ર બધેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્ય/ ભીખાભાઈ જોષી, હર્ષદભાઈ રીબડિયા, બાબુભાઈ વાજા, પૂર્વ મેયર લાખાભાઈ પરમાર, શહેનાઝબેન બાબી તેમજ જૂનાગઢ જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો તેમજ કોંગ્રેસ પક્ષના વિવિધ પાંખના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અભિવાદન સમારોહમાં મોટી સંખ્યામાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ વિનુભાઈ અમીપરાના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષના ઉમદા દેખાવ રહેશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. વિનુભાઈ અમીપરાના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષ પ્રજાની પડખે અડીખમ યોદ્ધાની માફક ઉભો રહી અને સેવાકીય કાર્યો પ્રજાના પ્રશ્નો અને જૂનાગઢ શહેરના વિકાસની બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે તેવો નિર્દેશ આપ્યો હતો.
સૌરાષ્ટ્રના પ્રભારી જીતેન્દ્ર બધેલ ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત છે અને ર૦૧૯માં દેશમાં કોંગ્રેસની સરકાર હશે તેમ જણાવ્યું હતું મોંઘવારી, પેટ્રોલ-ડીઝલનનો ભાવ વધારો, દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ અને ભ્રષ્ટાચારથી દેશ આખાની સ્થિતિ બગડી છે. લોકો નિરાશાની ગર્તામાં મૂકાઈ ગયા છે. લોકોના આશાનું કિરણ કોંગ્રેસ જ છે તેવો રણટંકાર કર્યો હતો.