(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
બુલંદશહરમાં ટોળાની હિંસા દરમિયાન પોલીસ ઇન્સપેક્ટર સુબોધકુમારસિંહને ગોળીમારીને હત્યા કરનાર સેનાનો જવાન જિતેન્દ્ર મલિક ઉર્ફે જીતુ ફૌજીની જમ્મુ અને કાશ્મીરમાં તેના જ યુનિટ ૨૨ રાષ્ટ્રીય રાઇફલ દ્વારા શનિવારે અટકાયત કરવામાં આવી હતી. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જીતુ ફૌજીની એસઆઇટીએ ધરપકડ કરી છે અને તેને દિલ્હી લાવીને પોલીસ દ્વારા કોઇ અજ્ઞાત સ્થળે લઇ જઇને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જીતુ ફૌજી ૧૫ દિવસની રજા પર બુલંદશહર આવ્યો હતો અને ગત સોમવારે હિંસા દરમિયાન તેણે ઇન્સપેક્ટર સુબોધકુમારને ગોળી મારીને તેમની હત્યા કરી હતી. બહાર આવેલા હિંસાની ઘટનાના વીડિયોને આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. હિંસક ઘટના સર્જાયા બાદ જીતુ ફૈૌજી જમ્મુ અને કાશ્મીરના સોપોર ભાગી ગયો હતો. ઉત્તર પ્રદેશ પોલીસની ખાસ તપાસ ટીમ (એસઆઇટી)એ જીતુ ફૈૌજીને સેના પાસેથી પોતાની કસ્ટડીમાં લઇ લીધો હતો.
દરમિયાન, બુલંદશહરની હિંસા અંગે શિવસેનાએ ભાજપ સામે પ્રહારો કર્યા છે અને હિંસામાં ભાજપની ભૂમિકા સામે પ્રશ્ન ઉઠાવ્યો છે. શિવસેનાના મુખપત્ર ‘સામના’માં પ્રસિદ્ધ કરવામાં આવેલા તંત્રીલેખમાં ભાજપના સહયોગી પક્ષે જણાવ્યું કે શું બુલંદશહરની ઘટના ૨૦૧૪ની ચૂંટણીઓ પહેલા સર્જવામાં આવેલી મુઝફ્ફરનગરની ઘટના જેવું કાવતરૂ ઘડ્યું હતું ? ભાજપ જાણે છે કે તેના માટે ૨૦૧૯ની ચૂંટણીઓ સરળ નહીં હોય, તેથી ભાજપે ધાર્મિક ધ્રુવીકરણના શસ્ત્રનો ઉપયોગ કર્યો છે ?