(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે બુધવારે જણાવ્યું હતું કે, પોતાને ભારતીય તરીકે નહીં માનનારા જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘‘ફાધર ઓફ ઇન્ડિયા’’ કહેવા સામે ગર્વ અનુભવશે નહીં. ડાક વિભાગમાં કેંદ્રીકૃત લોક ફરિયાદ નિવારણ તથા દેખરેખ પ્રણાલી(સીપીજીઆરએએમએસ) સુધારાની શરૂઆત કરવા સંબંધિત કાર્યક્રમથી અલગ સિંહે જણાવ્યું કે, ભારતનું સન્માન આજે જે રીતે કરવામાં આવી રહ્યું છે તે ભૂતકાળમાં દુર્લભ હતું. વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્યમંત્રીએ કહ્યું કે, જે લોકો વિદેશમાં રહે છે તેમને આજે ભારતીય હોવાનો ગર્વ છે. આ વડાપ્રધાન મોદીના વ્યક્તિત્વ અને તેમની વ્યક્તિગત પહોંચને કારણે થઇ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોદીને ‘ફાધર ઓફ ઇન્ડિયા’ કહેવા અંગે પૂછાતા જીતેન્દ્રસિંહ કહ્યું કે, તેમણે ક્યારેય કોઇ અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા કોઇ ભારતીય વડાપ્રધાન માટે આવા શબ્દો સાંભળ્યા નથી. સિંહે કહ્યું કે, જો અમેરિકા અથવા તેના રાષ્ટ્રપતિ તરફથી કોઇ નિષ્પક્ષ અને સાહસિક નિવેદન આવે છે તો મને લાગે છે કે, દરેક ભારતીયને ગર્વ થવો જોઇએ, પછી ભલે તે કોઇ પણ રાજકીય પક્ષ અથવા વિચારધારા સાથે જોડાયેલા હોય. તેમણે કહ્યું કે એવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઇ અમેરિકી રાષ્ટ્રપતિએ કોઇ ભારતીય વડાપ્રધાન અથવા વિશ્વના કોઇ અન્ય નેતાની પ્રશંસા આ પ્રકારના શબ્દોથી હોય. જો કોઇને આના પર ગર્વ નથી તો એવું બની શકે કે તે પોતાને ભારતીય માનતું નથી. કેટલાક કોંગ્રેસના નેતાઓ કહે છે કે, ફક્ત એક જ રાષ્ટ્રપિતા હોઇ શકે છે તે અંગે સિંહે કહ્યું કે, આ માટે કોંગ્રેસે ટ્રમ્પ સાતે વાત કરવી જોઇએ. આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ટીકા કરતા સિંહે કહ્યું કે, જ્યાં સુધી આતંકવાદ અને આ બદીને પ્રોત્સાહન આપવામાં પાકિસ્તાનની ભૂમિકાની વાત છે તો જે વિદેશી દેશો આતંકવાદમાં પાકિસ્તાનની સંડોવણીની ભારતની વાત માનતા ન હતા તેઓ આજે તેને સ્વીકાર કરે છે અને તેનો શ્રેય વડાપ્રધાન મોદીને જાય છે. ટ્રમ્પે મંગળવારે ન્યૂયોર્કમાં મોદીની પ્રશંસા કરતા કહ્યું હતું કે, મને યાદ છે કે, ભારત પહેલા ઘણું અસ્થિર હતું જ્યાં અનેક મતભેદ, લડાઇ હતી પણ મોદી બધાને સાથે લઇ આવ્યા. જેમ એક પિતા કરે છે. કદાચ તેઓ ફાધર ઓફ ઇન્ડિયા છે.