મુંબઇ, તા. ૨૧
મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે આવતીકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ની પ્રથમ ક્વાલિફાયર મેચ લીગ તબક્કામાં ટોપમાં રહેલી બે ટીમો સનરાઇઝ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપર વચ્ચે રમાનાર છે. આ મેચમાં જીત મેળવનાર ટીમ સીધી રીતે ફાઇનલમાં પ્રવેશ કરશે. આ હાઇવોલ્ટેજ અને હાઇ પ્રોફાઇલ મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. યજમાન મુંબઇની ટીમ ક્વાલિફાઇંગ કરવામાં નિષ્ફળ રહી છે પરંતુ મુંબઇના ચાહકોમાં અને દેશના ચાહકોમાં કોઇ હતાશા નથી. બે ટોપ ટીમો વચ્ચે જોરદાર ફાઇટ ટુ ફિનિશ જંગ ખેલાય તેવી શક્યતા છે. મેચને લઇને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. મેચનુ પ્રસારણ આવતીકાલે સાત વાગ્યાથી કરવામાં આવનાર છે. કેન વિલિયમસનના નેતૃત્વમાં સનરાઇઝ હૈદરાબાદની ટીમે જોરદાર દેખાવ કરીને તમામને ચોંકાવી દીધા છે. કેપ્ટન વિલિયમસન ઉપરાંત શિખર ધવન શાનદાર ફોર્મમાં રહ્યા છે. તેમના પર આવતીકાલે પણ મુખ્ય આધાર રહેશે. તેના લીગ તબક્કામાંથી ૧૮ પોઇન્ટ છે. બીજી બાજુ ચેન્નાઇના પણ ૧૮ પોઇન્ટ છે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં આ ટીમમાં સુરેશ રૈના, ધોની પોતે અને બ્રાવો તેમજ શેન વોટ્‌સન જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે.તેમની વચ્ચે રમાયેલી છેલ્લી મેચમાં સનરાઇઝની ચેન્નાઇની સામે હાર થઇ હતી. હવે સનરાઇઝ બદલો લેવા માટે તૈયાર છે.