(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૯
રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકોની ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા બાદ અહમદ પટેલે જીત હાંસલ કરતા ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાયા છે ત્યારે અહમદ પટેલની જીતના વધામણા કરવા રાજકોટમાં જશ્ન મનાવી રહેલા કોંગી કાર્યકરો સાથે ભાજપના કાર્યકરોએ ઝઘડો કરતા બંને પક્ષના કાર્યકરો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપની શામ-દામ, દંડ ભેદની નીતિ છંતાય કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલે ખરા અર્થમાં બાહુબલી બનીને ઊભરી આવ્યા છે ત્યારે અહમદ પટેલની જીતની ઉજવણી કરવા રાજકોટના રેસકોર્સ ખાતે કોંગ્રેસના કાર્યકરો જશ્ન મનાવી રહ્યા હતા ત્યારે ભાજપના કાર્યકરોએ આવીને સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. તે દરમિયાન બંને પક્ષના કાર્યકરો સામ સામે સૂત્રોચ્ચાર પોકારતા માહોલ ગરમાયો હતો તે દરમિયાન ભાજપના આગેવાન અને કોંગ્રેસના અગ્રણી વચ્ચે હાથપાઈ થતા માહોલ જોરદાર ગરમાયો હતો. ત્યારબાદ બંને પક્ષના કાર્યકરો વચ્ચે મારા મારીના દૃશ્યો સર્જાયા હતા. દરમિયાન દોડી આવેલી પોલીસ આવીને મામલો થાળે પાડવા કામગીરી હાથ ધરી હતી.