અમદાવાદ, તા.ર૮
રાધનપુરમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ થોડા સમય પહેલા આપેલા વિવાદાસ્પદ નિવેદન અંગે ખુલાસો કર્યો છે. વાઘાણીએ કહ્યું કે મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. જો કે, સાથે વાઘાણીએ ટોણો પણ માર્યો કે ભૂતકાળમાં કોંગ્રેસે મારી માતા અને નરેન્દ્રભાઇ વિરૂદ્ધ અપશબ્દો કહ્યાં હતા. રાધનપુરમાં ભાજપ યુવા સમેલનમાં સંબોધન દરમિયાન ગુજરાત ભાજપ પ્રમુખ વાઘાણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને લઇને રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વાઘાણીનો વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, વિવાદ બાદ વાઘાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ ખોટી રીતે વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. મારો કહેવાનો અર્થ માત્ર વીઆઇપી કલ્ચર હોવાનો હતો. જો કે, વાઘાણીએ સાથે જણાવ્યું કે, ભૂતકાળમાં મારી માતા અને નરેન્દ્ર મોદી વિરૂદ્ધ કોંગ્રેસના નેતાઓ દ્વારા ટિપ્પણીઓ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાધનપુરમાં ભાજપ યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ સંબોધનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આશ્ચર્યજનક ટિપ્પણીઓ કરી હતી. જેમાં વાઘાણીએ જણાવ્યું કે રાહુલ કમાન્ડોની સુરક્ષા વચ્ચે જનમ્યા હતા. જે ઘોડિયામાં કમાન્ડોની સાથે જનમ્યા હોય તે દેશની વાતો કરે છે. વધુમાં વાઘાણીએ કહ્યું કે, રાહુલે કમાન્ડોની સુરક્ષા વચ્ચે માતાનું દૂધ પીધું છે.