(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા. ૮
લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ થઈ જવા પામ્યો છે, ત્યારે તેમાં રાજકીય નેતાઓ એકબીજા પર આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો મારો ચલાવવામાં બેફામ વાણી-વિલાસ સાથે ગાળાગાળી અને ધમકીભરી ભાષાનો ઉપયોગ કરવા લાગતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે. ભાજપના નેતાઓ વધુ બેફામ બન્યા હોય તેમ એક પછી એક નેતાઓના આવા કારનામા બહાર આવી રહ્યા છે. ભાજપના મધુ શ્રીવાસ્તવ પછી ખુદ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનો બેફામ વાણી-વિલાસ બહાર આવ્યો છે. જીતુ વાઘાણીએ સુરતમાં કોંગ્રેસ પર પ્રહારો કરવાના આવેશમાં તેઓ માટે અભદ્ર એવો ‘હરામજાદાઓ’ જેવા શબ્દનો પ્રયોગ કરવા સાથે સુરત છોડાવી દેવાની ખુલ્લી ધમકીઓ ઉચ્ચારતા કોંગ્રેસમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડવા સાથે પ્રજાજનોમાં ભાજપની ભય અને ધમકીની નીતિ સામે ફિટકાર ઊભો થવા પામ્યો છે. જો કે આ સમગ્ર ઘટના બહાર આવવા છતાં અપક્ષ સહિત અન્ય પક્ષોની હિલચાલ પર સતર્ક વોચ રાખતું ચૂંટણી પંચ મૂકપ્રેક્ષક બની રહ્યું હોય તેમ હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ ચાલી રહ્યો છે. બંને પક્ષોના નેતાઓ એકબીજા પર આકરાં પ્રહારો કરતા સહેજ પણ વાર કરતા નથી, ત્યારે હાલ ભાજપના જીતુ વાઘાણીએ સુરતના અમરોલી વિસ્તારમાં યોજાયેલી સભામાં કોંગ્રેસ પર આકરાં પ્રહારો કર્યા હતા. જીતુ વાઘાણીના કોંગ્રેસ પર પ્રહારો ખુલ્લી ધમકી જેવા લાગી રહ્યા છે.
સુરતમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. આ ઘટનાને લઈ સુરત આવેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરાં પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસની એક પણ સીટ નથી, જેથી તેઓ સત્તામાં આવવા માટે કોઈ પણ હદ સુધી જઈ રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ અરાજકતા ફેલાવવા નીકળી છે. સુરતમાં સીધી રીતે ભાજપને પહોંચી વળી શકતા નથી એટલે તેઓ તોફાન કરાવે છે. તેઓ સીધા જીતી નથી શકવાના એટલે લુખ્ખાગીરી કરાવે છે.
ત્યારબાદ જીતુ વાઘાણીએ કોંગ્રેસને ખુલ્લી ચીમકી આપતા જણાવ્યું હતું કે, અમે કોઈને છોડવાના નથી અને અમને છેડશો તો કોઈને છોડીશું નહીં, એક બનાવ બન્યો છે, બીજો ન બનવો જોઈએ. બીજો બનાવ બન્યો તો તમને સુરત મુકાવતા વાર નહીં લાગે. તેમણે કહ્યું હતું કે, બીજી વખત જો બબાલ કરી તો સુરત મુકાવતા પણ અમને સહેજ વાર નહીં લાગે.
હું કોંગ્રેસને કહું છું કે, લોકસભાની ચૂંટણીમાં જેટલી તાકાત લગાડવી હોય લગાડી લેજો, પરંતુ અંધાધૂંધી અને અરાજકતાનું બંધ કરો. સુરતની અંદર તમે સીધા અમને પહોંચી શકતા નથી એટલે તોફાનો કરાવો છો. આ વખતે પણ તમે સીધું જીતી શકો એમ નથી, એટલે દાદાગીરી અને લુખ્ખાગીરી કરવાનું બંધ કરો.
હું ભાજપના પ્રમુખ તરીકે કહું છું, અમારે કોઈને છેડવા નથી, પણ અમને છેડશો તો તમને છોડીશું નહીં. હવે બીજો બનાવ બનશે તો તમને સુરત છોડાવતા અમને સહેજ પણ વાર નહીં લાગે.

ગાળાગાળી-બેફામ ઉચ્ચારણો એ ભાજપના સંસ્કાર : કોંગ્રેસ

જીતુ વાઘાણીના નિવેદન સામે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગાળો દેવી, બેફામ ઉચ્ચારણો કરવા એ જ ભાજપના સંસ્કાર છે અને જ્યાં સુધી જીતુ વાઘાણીને લાગે-વળગે છે, તો મારે એટલું જ કહેવું છે કે વાઘાણીને તેમના જ પક્ષમાં કોઈ ગંભીરતાથી લેતું નથી એટલે અમે પણ તેમની વાતને ગંભીરતાથી નથી લેતા. અલબત્ત, કોંગ્રેસી નેતાઓને ગાળો બોલવા અંગે અમે વાઘાણી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરીશું અને આશા રાખીએ કે ચૂંટણી પંચ આ વખતે તો ભાજપના કોઈ નેતા સામે ગંભીર પગલાં લેશે.