અમદાવાદ, તા.૨૫
રાજ્યના પાંચ જિલ્લાઓમાં તીડનું આક્રમણ થયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, કચ્છ અને મહેસાણામાં અનેક જગ્યાએ ઊભા પાક પર તીડનું આક્રમણ થયું છે. તીડના આતંકના કારણે ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. પાકને થઈ રહેલા નુકસાનને બચાવવા શિક્ષકોના ઉપયોગને લઈને વિવાદ ઊભો થવા પામ્યો હતો, પરંતુ આખરે વિજય રૂપાણીએ તીડ ઉડાડવા માટે પોતાના જ ધારાસભ્યોને સૂચના આપતા ભાજપના પ્રદેશ પ્રમુખ અને ભાજપના કાર્યકરો થાળી વઘાડી પ્રતિકાત્મક તીડ ઉડાડ્યા હતા. જો કે, આ વીડિયો જોઈ જીતુ વાઘાણીના વખાણ કરવા કે હસવું તે લોકોને સમજાઈ રહ્યું નથી. આમ છતાં આ તબક્કે તેમના આ નાનકડા પ્રયાસને બિરદાવવો રહ્યો. ઊભા પાક પર તીડના આક્રમણને કારણે પાકનો નાશ થતો અટકાવવા કઈ રીતે તીડથી બચી શકાય તેના માટે શિક્ષકોનો ઉપયોગ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. વસ્તી ગણતરી, મતદાન, મેલેરિયા અને વૃક્ષ ગણતરી જેવા કામોમાં જોતરાયેલા રહેતા શિક્ષકો ભણાવશે કયારે તેવા પ્રશ્નો ઊભા થતાં આખરે પરિપત્રમાં સુધારો કરવામાં આવ્યો હતો. બુધવારના રોજ ઉત્તર ગુજરાતના પ્રવાસે ગયેલા ભાજપના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી એક સરકારી સમારંભ પૂરો કરીને તીડ ઉડાડવા પહોંચી ગયા હતા. કારણ કે, ત્યારે ત્યાં ટેલિવિઝનના કેમેરામેન પણ હાજર હતા. પાટીદાર અનામત આંદોલન વખતે જે રીતે થાળી વગાડી સરકારનો વિરોધ કરાતો હતો. તેવી જ રીતે જીતુ વાઘાણી અને ભાજપના કાર્યકરોએ અહીં પાક વગરના ખુલ્લા ખેતરમાં થાળીઓ વગાડી તીડ ઉડાડ્યા હતા. આમ પાક વગરના ખેતરમાં તીડ ઉડાડવાનો અર્થ શું ? તે લોકોને સમજાતું નથી. આમ છતાં તેમણે ઉદાહરણીય કામ કર્યું છે. જો આ જ પ્રકારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્વયંભૂ પ્રજાની સમસ્યા નિવારવા જાતે કામ ઉપાડી લે તો ઘણી સમસ્યાઓનો અંત આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૯૯૪માં તીડના આક્રમણને ટાળવા ગુજરાત સરકારે ખૂબ નીચી ઉંચાઈએ હેલિકોપ્ટર ઉડાડી તીડો ભગાડ્યા હતા, જે તે સમયે તે પ્રયાસ સફળ રહ્યો હતો. હજી સુધી રાજ્ય સરકાર દ્વારા આવો પ્રયાસ થયો નથી.
“તીડ આવે ત્યારે થાળી
વગાડવી” નવી કહેવત બની
ગુજરાતીમાં કહેવત છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવો. એટલે કે અગાઉથી કોઇ વ્યવસ્થા કે આયોજન કરવું નહીં અને આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે તો શું થાય….? એવું જ હાલમાં તીડ દ્વારા ગુજરાતના ખેડૂતોમાં જે મોજોત્સવ ચાલી રહ્યો છે તેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુભાઇ વાઘાણી પણ અન્ય નેતાઓની જેમ હાથમાં થાળી અને વેલણ લઇને કોઇના ખેતરે પહોંચ્યા અને ખેતરમાં મોટે મોટે થી થાળી વગાડીને તીડના ટોળાને ઉડાડવાનો પ્રયાસ કરી રહ્યાંનો વિડિયો વાયરલ થયો છે. સૂત્રોએ કહ્યું કે તીડનો હુમલો ગુજરાતમાં પાકિસ્તાનની સરહદે અડીને આવેલા વિસ્તારોમાં એટલે કે ખેતરોમાં થશે તેની આગોતરી જાણ અને ચેતવણી યુનો દ્વારા તથા અન્ય એજન્સીઓ દ્વારા કરવા છતાં સરકારે ખેડૂતોના ઉભા પાકને બચાવવા કોઇ આગોતરૂ આયોજન ના કર્યું. અને હવે થાળી-વેલણ લઇને ખેતરમાં ગરબો રમતા હોય તેમ આમતેમ ફરી રહ્યાંના નેતાઓના વિડિયો જોઇને ખેડૂતો હસે કે રડે….?
Recent Comments