ભાવનગર, તા.૧૪
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ માફી માંગી જ નથી તેવા ભાજપના નિવેદન બાદ હવે કોઈપણ કાળે સમાધાન શક્ય જ નથી જીતુ વાઘાણી પોતે જાહેરમાં માફી માંગે તો જ સમાધાન તેમ કહી દાનસંગભાઈ મોરીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ભાવનગર નજીકના બુધેલ ગામના પૂર્વ સરપંચ દાનસંગભાઈ મોરી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી વચ્ચે કરોડો રૂપિયાની ગૌચરની જમીન પચાવવાના અને ખોટા કેસ કરી દાનસંગભાઈને અને તેમના પરિવારને હેરાન પરેશાન કરવાના મામલે શરૂ થયેલું રાજપૂત સમાજનું આંદોલન રાજ્યભરમાં ચકચારી બન્યું હતું. તેવા સંજોગોમાં બે દિવસ પૂર્વે દાનસંગભાઈ મોરી અને જીતુભાઈ વાઘાણી વચ્ચે સમાધાન થઈ ગયું છે અને આ સમાધાન અમિત શાહના બંગલે ગત શનિવારે સાંજે થયું હોવાનું જાહેર થયું હતું. માત્ર એક-બે દિવસ બાદ ફરી આ સમાધાન પડી ભાંગ્યું હોવાનું અને ફરી આમને સામને આવી ગયા છે. દાનસંગભાઈ મોરીએ આક્રોશ સાથે જણાવ્યું છે કે, હવે જીતુ વાઘાણી જાહેરમાં માફી માંગે તો જ સમાધાન અન્યથા ભાજપને આગામી તા.૯ અને ૧૪ના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીના પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે તેવી ચીમકી પણ દાનસંગભાઈ મોરીએ ઉચ્ચારી હતી.
દાનસંગભાઈ મોરીએ ટેલિફોનીક વાતચિતમાં જણાવ્યું હતું કે, ગત શનિવારે અમિત શાહના બંગલે કારડિયા રાજપૂત સમાજના આગેવાનો અને ભાજપના આગેવાનોની હાજરીમાં જીતુ વાઘાણી મારે ગળે મળ્યા હતા અને માફી માંગી હતી અને મને મીઠાઈ પણ ખવડાવી હતી અને બધા ખોટા કેસો પાછા ખેંચી લેવા ખાતરી પણ આપી હતી જેથી અમો વિરોધનું કોઈ કારણ ન હતું એટલે અમોએ સમાધાન કરી લીધું હતું ત્યારબાદ કારડિયા રાજપૂત સમાજ દ્વારા જીતુ વાઘાણીએ માફી માંગી હોવાની વાત જાહેર કરતા ભાજપ ફરી ગયું હતું અને ભાજપ તરફથી એવું નિવેદન કરવામાં આવ્યું કે, જીતુ વાઘાણીએ માફી માંગી જ નથી આવા નિવેદનો બાદ કારડિયા રાજપૂત સમાજના આગેવાનોએ એવો નિર્ણય કર્યો છે કે, હવે જીતુ વાઘાણી જાહેરમાં માફી માંગે તો જ સમાધાન નહીંતર સમાધાનની વાત ભૂલી જજો આગામી વિધાનસભાની ચૂંટણીના પરિણામો ભોગવવા પડશે.
આજે ફરી એક વખત બુધેલ ગામ અને વરતેજ ગામમાં જીતુ વાઘાણીએ આવવું નહીં, ગૌચર જમીન ચોરોએ ગામમાં આવવું નહીં તેવા બેનર લાગતા સમગ્ર સમાધાનના લીરે લીરા ઉડ્યા છે. એટલું જ નહીં ભાજપના નેતાઓ બોલીને ફરી જવામાં માહેર છે. તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
જીતુ વાઘાણીએ માફી માંગી જ નથી તેવા ભાજપના નિવેદન બાદ સમાધાન કેવું ??

Recent Comments