અમદાવાદ,તા.ર૧
નારાજ પાટીદારના વિરોધનો સામનો કરી રહેલ ભાજપ માટે રાજપૂતોનો વિરોધ પણ વધારે ચિંતાજનક બન્યો હતો ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને આ વિરોધ આ ચૂંટણીમાં તેમની હારનું કારણ ન બને તેવા ડરને લીધે ભાવનગરના બુધેલ ગામના પૂર્વ સરપંચ દાનસંગ મોરી અને ભાજપ પ્રદેશ પ્રમુખ વાઘાણીનું અમિત શાહની હાજરીમાં એક સભા સમાધાન થયું હતું. જો કે રાજપૂત સમાજના જ કેટલાક આગેવાનો અને યુવાનોને હતા. સમાધાન મંજૂર નથી તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે ત્યારે હવે આ સમાધાનનો મુદ્દો ક્યાં જશે ? તે ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે.
ભાવનગરમાંથી ચૂંટણી લડી રહેલા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના વ્યવહાર અને દાનસંગ મોરી સામે થયેલા ખોટા કેસને કારણે સમગ્ર રાજપૂત સમાજે આંદોલન શરૂ કર્યું હતું. પંદર દિવસ પહેલાં માફી માંગી વાઘાણી ફરી ગયા હતા, પણ હવે ટિકિટ મળ્યા બાદ લડવું અને જીતવું અનિવાર્ય હોવાને કારણે ફરી સમાધાનની બેઠક થઈ હતી, જો કે રાજપૂત યુવાનોમાં નારાજગી તે વાત છે કે બંધ બારણે કેમ સમાધાન કરવામાં આવ્યું. દાનસંગ મોરીએ કહ્યું હતું કે વાઘાણી જાહેરમાં મીડિયાની સામે માફી માંગે તો સમાધાન થશે. પણ બે-ચાર આગેવાનો વચ્ચે એવું શું રંધાઈ ગયું કે રાજપૂતોએ હજારો આંદોલનકારીઓની જાણ બહાર સમાધાન કરી લીધું.
બગોદરા નજીક ભાયલા ખાતે જ્યારે રાજપૂત સમાજની સભા યોજાઈ હતી ત્યારે રાજપૂત આગેવાનોએ જ લાખો રાજપૂતોની હાજરીમાં કહ્યું હતું કે વાઘાણી જાહેરમાં માફી માંગે અને જીતુ વાઘાણીના રાજીનામાંથી ઓછું રાજપૂતોને કાંઈ ન ખપે. ત્યારબાદ જીતુ વાઘાણી સાથે સમાધાનના ક્રમમાં રાજીનામાની વાત પડતી મૂકાઈ અને માત્ર જાહેરમાં માફીની વાત રાજપૂત આગેવાનોએ સ્વીકારી. જો કે ત્યારબાદ જાહેરમાં માફી પણ ન મંગાઈ અને આજે ભાવનગર ખાતે રજોડાના કાનભા ગોહિલ, બુધેલના દાનસંગ મોરી અને ભાજપના નેતાઓ અમિત શાહ, જીતુ વાઘાણીની હાજરીમાં સમાધાન થઈ ગયું અને મંચ પર બધાએ હાથ પણ મિલાવ્યા. જો કે બીજી તરફ આ ઘટનાના રાજપૂતો યુવાનોએ પ્રત્યાઘાત આપતા આ સમાધાન મંજૂર નથી તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે જેમાં એક નામ ભાજપના અગ્રણી એવા રજોડાના કાનભા ગોહિલના જમાઈ પ્રદ્યુમનસિંહ ચાવડા ઉર્ફે લાલનું પણ છે. તેમણે ફેસબુક પર પોસ્ટ કરી છે કે આ સમાધાન થયું એ ગુજરાતના રાજપૂત સમાજના યુવાનોને મંજૂર નથી જ્યાં સુધી જીતુ વાઘાણી મીડિયા સામે આવીને સમાજથી માફી નહીં માંગે ત્યાં સુધી સમાજના યુવાનોને મંજૂર નથી. આ આવા નિવેદનથી સમાધાન કરી ફરી જનાર અને હારના ડરથી ફરી સમાધાન કરનાર ભાજપની ચિંતામાં વધારો થાય તો નવાઈ નહીં તેવી ચર્ચાઓ થવા લાગી છે.