અમદાવાદ, તા.૧૦
છેલ્લા કેટલાક સમયથી ભાજપાના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે રાજપૂત સમાજ આંદોલન ચલાવી રહ્યું છે ત્યારે બુંદેલ ગામમાં જીતુ વાઘાણી વિરૂદ્ધ લાગેલા બેનરો ઉતરાવવા ગયેલી પોલીસ અને ગ્રામજનો વચ્ચે ગરમાવો જોવા મળતાં ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે જ્યારે આ મામલો હવે વધુ ઉગ્ર બને તેવા પણ સંકેતો મળી રહ્યા છે. બીજી તરફ રાજપૂતો અને પાટીદારો વચ્ચે ઘર્ષણ પેદા કરવા આ પ્રકારે ભાજપા દ્વારા પોલીસનો ઉપયોગ કરાતો હોવાની ચર્ચાઓ થવા માંડી છે. સૌરાષ્ટ્રમાં રાજપુત આંદોલનના પગલે જીતુ વાઘાણીએ ગામમા પ્રવેશ કરવો નહીં ગૌચર ચોરોએ ગામમાં પ્રવેશવું નહીં તેવા બેનર ગામે ગામ લાગ્યા છે. આ બેનરો ઉતારવાની જવાબદારી હવે પોલીસને સોંપાઈ છે. જ્યાંથી રાજપૂત આંદોલનની શરૂઆત થઈ તેવા ભાવનગરના બુધેલ ગામમાં લાગેલા બેનરો ઉતારવા માટે એક ડીવાયએસપી સહિત પોલીસના દસ વાહનોનો કાફલો ગામમાં પહોંચ્યો હતો. જેવી પોલીસે બેનરો ઉતારવાની શરૂઆત કરી કે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.
બે દિવસ અગાઉ બુધેલ ગામમાં પોલીસની એક જીપ આવી બેનરો ઉતારવા લાગતા ગ્રામજનો રસ્તા ઉપર સૂઈ ગયા હતા, જેનાં કારણે પોલીસ બેનરો લીધા વગર પાછી ફરી હતી. પરંતુ આજે શુક્રવારના એક ડીવાયએસપી સહિત પોલીસના દસ વાહનોનો કાફલો બુધેલ ગામમાં આવી પહોંચ્યો હતો અને પોલીસે જાતે બેનરો ઉતારવાની શરૂઆત કરી હતી. પોલીસ બેનરો ઉતારી રહી છે. તેવી જાણકારી મળતા ગ્રામજનો રસ્તા ઉપર આવી ગયા હતા. બેનર પ્રશ્ને પોલીસનો ઉપયોગ થતાં ગામમા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. રાજપૂત અને પટેલો વચ્ચે ઘર્ષણ કરાવવા માટે આ પ્રકારે પોલીસનો ઉપયોગ કરી જીતુ વાઘાણી સ્થિતિ બગાડવા માગતા હોવાની પણ ચર્ચા છે. સ્થાનિક લોકોમાં ચર્ચામાં થવા માંડી છે. આમ હાલ તો અનેક મુદ્દે ઘેરાયેલી ભાજપા માટે રાજપૂત આંદોલન ચિંતાજનક બનતું જાય છે.