અમદાવાદ, તા.૨૩
દેશમાં આગામી ૩૧મી ઓગસ્ટે સરદારની વિશ્વ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસ-ભાજપમાં આ મુદ્દે રાજકારણ ગરમાઇ ગયું છે. આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી કેવળીયા કોલાની ખાતે તૈયારીઓ જોવા પહોંચ્યા હતા. તે પ્રસંગે રાહુલ ગાંધી અને સોનાયા ગાંધીને આડે હાથ લીધા હતા. જીતુ વાઘાણીએ કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે, સરદાર જેવા મહાપુરૂષને જોવા માટે ગાંધીજીના ચશ્મા જોઈએ. ઈટલીના ચશ્માથી કે નહેરૂની નજરથી આ મહામાનવ ના દેખાય. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેમની સાથે ભાજપ પ્રદેશ મહામંત્રી ભીખુ દલસાનિયા, ભરતસિંહ પરમાર, પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવી અને જિલ્લા પ્રમુખ ઘનશ્યામ દેસાઇ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. વધુમાં વાઘાણીએ કહ્યું કે, અમારી સરકાર તો અસરગ્રસ્તો જ છે. પણ રાજકીય રોટલા શેકનારાઓને લોકો ઓળખે તે જરૂરી છે. જીતુ વાઘાણીએ કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે સરદાર વલ્લભભાઈ પટેલને હાંસિયામાં ધકેલી દીધા હતા. કોંગ્રેસે સરદારને ના તો વડાપ્રધાન બનાવ્યા, કે ના તો ભારત રત્ન આપ્યો. હવે તેમની વિરાટ પ્રતિમાનો વિરોધ કરે છે.