(એજન્સી) લખનૌ, તા.૧૧
સોશિયલ મીડિયા પર બરેલીથી ભાજપના ધારાસભ્ય પપ્પુ ભરતૌલની પુત્રી સાક્ષી મિશ્રા અને દલિત યુવક ઓમતેશકુમારના લગ્નના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં સાક્ષી પોલીસ પાસે મદદ માંગી રહી છે કે તેના પતિને તેના પિતાથી ખતરો છે અને તેથી તેને સુરક્ષા આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ર૩ વર્ષીય સાક્ષી મિશ્રાએ પ્રયાગરાજમાં રામ જાનકી મંદિરમાં દલિત યુવક સાથે ૪ જુલાઈના રોજ લગ્ન કર્યા હતા અને તેનું પ્રમાણપત્ર પણ રજૂ કર્યું હતું. તેણીએ પરિવારની ઈચ્છા વિરૂદ્ધ પ્રેમલગ્ન કર્યા હોવાથી ધારાસભ્ય અને તેમનો પરિવાર નાખુશ છે. તાજેતરમાં આ મુદ્દે બે વીડિયો વાયરલ થયા બાદ બોલીવુડ નિર્દેષક અનુરાગ કશ્યપે પણ આ ઘટનાની નોંધ લેતાં લખ્યું હતું કે અમે મુક્કાબાજનું શુટિંગ કર્યું હતું ત્યાંના (બરેલી) ધારાસભ્યની પુત્રી પોતાના જીવન માટે ભયભીત છે કારણ કે તેણે પોતાના પરિવારની ઈચ્છા વિરૂદ્ધ લગ્ન કર્યા. કોઈક એ તો આ અંગે પગલાં લઈ યુવતી અને તેના પતિને સુરક્ષા આપવી જોઈએ. આ સમગ્ર ઘટનાક્રમ અંગે ધારાસભ્યએ નિવેદન આપતા પોતાના પર લગાવવામાં આવેલા આરોપો ફગાવ્યા હતા.

દલિત યુવક સાથે લગ્ન કરવા બદલ પિતા તરફથી જીવનું જોખમ હોવાનું કહ્યાં પછી ભાજપ ધારાસભ્યની દીકરીએ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી પોલીસ રક્ષણની માગણી કરી

(એજન્સી) તા.૧૧
ઉત્તરપ્રદેશના ભાજપ ધારાસભ્યની દીકરીએ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી પોલીસ રક્ષણ માંગ્યું હતું. તેણે કહ્યું હતું કે, જ્ઞાતિ બહાર લગ્ન કરવાના કારણે તેના પિતા તરફથી તેને જીવનો જોખમ છે. બુધવારે ધારાસભ્ય રાજેશ મિશ્રાની દીકરી સાક્ષી મિશ્રાએ સ્પેશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી દાવો કર્યો હતો કે દલિત યુવક સાથે લગ્ન કરવાના કારણે તેના પિતા તરફથી તેને અને તેના પતિને જીવનો જોખમ છે. તેણે ઉત્તરપ્રદેશ પોલીસને સુરક્ષા પૂરી પાડવા માટે વિનંતી પણ કરી હતી. સાક્ષીના વકીલ વિકાસ રાણાએ ગુરૂવારે મીડિયાને જણાવ્યું હતું કે કોર્ટે સાક્ષીની અરજી સ્વીકારી લીધી છે અને આગામી અઠવાડિયે તેની સુનાવણી હાથ ધરવામાં આવશે કારણ કે સુરક્ષા કારણોસર આ દંપત્તિ ગુરૂવારે કોટમાં હાજર થઈ શકયો ન હતો. બીજી તરફ સાક્ષીના સસૂર હરિશકુમારે પણ પોલીસ દરમિયાનગીરીની માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજેશ મિશ્રા બરેલી જિલ્લાના બિથારી ચૈનપુરના ધારાસભ્ય છે.