Gujarat

જીવનમાં આગળ વધવા માટે વિદ્યા જરૂરી છે : સ્વામી સર્વાત્માપ્રિયદાસજી

(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૩૦
ધોળકા ખાતે ઘાંચી જમાતખાનામાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ તથા ધોળકા મુસ્લિમ સેવા સમાજ દ્વારા આઠ જિલ્લાના ૧૯ર તેજસ્વી મુસ્લિમ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઈનામો આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુર્આનથી કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન (મણીનગર)ના સંતો સ્વામી સર્વાત્માપ્રિયદાસજી તથા સ્વામીત્યાગદાસજીએ ખાસ હાજર રહી મુસ્લિમ વિદ્યાર્થીઓને આશિર્વચન આપતા કોમી એકતાના દૃશ્યો સર્જાયા હતા. સ્વામી સર્વાત્માપ્રિયદાસજીએ વિદ્યાર્થીઓને સંબોધીને જણાવ્યું હતું કે, સમાજ તમારી સાથે છે. માતા-પિતા તમારી સાથે છે. તમે શિક્ષણ મેળવો. જીવનમાં તમારે આગળ વધવું હશે તો ‘‘વિદ્યા’ મેળવવી જ પડશે. સ્વામીજીએ વિદ્યાર્થીઓને વ્યસન અને ફેશનને તિલાંજલિ આપવા હાંકલ કરી હતી. મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ કરીમભાઈ મલેક (મહેમદાવાદવાળા)એ આ સંગઠન બનાવવાનો હેતુ સમજાવી જણાવ્યું હતું કે, મુસ્લિમ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે, સામાજિક જાગૃતિ આવે, ફિરકાપસ્તી નાબૂદ થાય અને સમાજમાં એકતા અને ભાઈચારાનો માહોલ બને તે જરૂરી છે. તેમણે સ્વાગત પ્રવચન તથા સંસ્થા પરિચય આપેલ. કન્વીનર ઈકબાલભાઈ પોચા (શહેરા)એ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજની પ્રવૃત્તિની રૂપરેખા આપી હતી. મૌલાના સૈયદ સજ્જાદહુસેન આબદીએ જણાવ્યું હતું કે, ઈસ્લામ દેશપ્રેમની શીખ આપે છે. તેમણે તમામ ધર્મના લોકોને હળીમળીને રહેવા હાંકલ કરી હતી. ધોળકા એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ કાનજીભાઈ પટેલ વિદ્યાર્થીઓને શીખ આપી હતી કે, જીવનમાં તમારે શું બનવું છે તેનો ધ્યેય નક્કી કરો. પુરૂષાર્થ વિના સફળતા શક્ય નથી. જીવનમાં શિસ્ત. વિવેક જરૂરી છે. નિષ્ફળતાથી નિરાશ થવું નહીં. નિષ્ફળતા જ સફળતાની ચાવી છે જીવનમાં મક્કમ બનીને રહેતા શીખો. સરખેજ રોઝા કમિટી પ્રમુખ એડવોકેટ અબરાર અલી સૈયદે માનનીય પ્રવચન કરતા જણાવ્યું હતું કે, હાલ ર૧મી સદી ચાલી રહી છે. આ આધુનિક યુગમાં પણ મુસ્લિમ સમાજનું પછાતપણુ દૂર થયું નથી.
તેમણે એજ્યુકેશન મેળવવા ઉપર ખાસ ભાર મૂકી જણાવ્યું હતું કે, અભણ લોકોએ ભણેલા સામે ઝૂકવું પડે છે. તાલીમ વગર જીવન અધૂરું છે. કુર્આનમાં પણ શિક્ષણના મહત્ત્વ ઉપર ભાર મૂકાયો છે. માતાની ગોદથી કબર સુધી શિક્ષણ મેળવવા કહ્યું હતું. તેમણે શિક્ષણ સતત ચાલતી પ્રક્રિયા હોવાથી જ્યારે અને જ્યાંથી પણ ઈલ્મ મળતું હોય તેને હાંસલ કરવા અપીલ કરી હતી. રાષ્ટ્રપતિચંદ્રક વિજેતા ડીઆઈજી મકબુલ હુસેન અનારવાલા (પ્રિન્સીપાલ પોલીસ ટ્રેનિંગ કોલેજ, જૂનાગઢ) એ જણાવ્યું હતું કે, બાળકોને પ્રોત્સાહિત કરવાની તાતી જરૂર છે. તેમણે વિદ્યાર્થીઓ તથા આયોજકોને બિરદાવ્યા હતા. વિદ્યાર્થીઓને સપોર્ટ કરવા સખીદાતાઓને અપીલ કરી હતી. વડીલોએ નવયુવકોની તાકાતને સમજવાની જરૂર છે. ગાઈડન્સની વિદ્યાર્થીઓને ખાસ આવશ્યકતા છે. વિદ્યાર્થીઓ પોતાને કમજોર ના સમજે. હોંસલો બુલંદ રાખો સખત મહેનત કરો. અલ્લાહપાક જરૂર સફળતા આપશે. તેમણે વિદ્યાર્થીઓને હકારાત્મક એટીટયુડ કેળવવા પર ભાર મૂક્યો હતો.
ત્યારબાદ ખેડા, આણંદ, વડોદરા ગ્રામ્ય, અમદાવાદ ગ્રામ્ય, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર જિલ્લાના ધો.૧૦થી કોલેજ કક્ષાના ૧૯ર તેજસ્વી મુસ્લિમ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઈનામો આપી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે ગાંધીનગરના એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજ રશીદાબેન ઉરેજી, અ.રહીમખાન મુન્શી, અઝીઝભાઈ મુખી (ખોજા જમાત, ધોળકા), એડવોકેટ મોહંમદ ફારૂક ખરાદી, હુસ્નુદ્દીનમિયાં બાવા હુસૈની સાહેબ, એડવોકેટ રમેશભાઈ પુજારા, ચંદનસિંહ ચાવડા, ચિતરંજન શાહ વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના હોદ્દેદારો કરીમભાઈ મલેક, ઈકબાલભાઈ પોચા, સમીરભાઈ શેખ, રફીકભાઈ તિજોરીવાલા, ઈરફાન પઠાણ, તાહીરઅલી સૈયદ, કમરઅલી મોમીન, તોરેખાન પઠાણ, સિરાજભાઈ કુરેશી, અસગરભાઈ શેખ, ધોળકાનાં આગેવાનો મુર્તુઝાખાન પઠાણ (ઈંગોલીવાલા), અબ્દુલભાઈ ગારમેન્ટવાલા, ઈબ્રાહીમભાઈ (સ્ટારઓટો) વલીભાઈ ડીલાઈટ, શબ્બીરઅલી લોટીવાળા, ઈસ્માઈલભાઈ ઠાર, અબ્દુલભાઈ ઘંટીવાલા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન ઐયુબ ફારૂકીએ કર્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.