(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૩
ઘણા સમયથી ધંધો બરાબર નહીં ચાલતા મંદીના કારણે માનસિક તાણમાં આવેલા એક ટેલરે પોતાના ઘરના બેડરૂમમાં ફાસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સલાબતપુરા ખાતે આવેલા ખાંગળશેરીમાં રહેતા પીનલભાઇ રમેશચંદ્ર છોટેલાલ ટેલર (ઉ. વ. ૩૮) પરિવારમાં પત્ની ધારાબેન, પિતા રમેશચંદ્ર ટેલર અને માતા ઉષાબેન સાથે રહેતા હતા. ગઇકાલે રાત્રે તેમને બેડરૂમમાં લોખંડના એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આજે સવારે તેમના પિતા ઉઠાડવા ગયા હતા. ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. તેઓ દરવાજો ખખડાવતા અંદરથી કોઇ જવાબ નહીં મળતા તેઓએ પત્ની ઉષાબેન તેમજ આજુબાજુના લોકોને બોલાવ્યા હતા. ત્યારે જોરથી બેડરૂમમાં દરવાજાનો ધક્કો મારતા દરવાજો ખૂલી ગયો હતો અને અંદર પંખા સાથે પીનલભાઇની લાશ લટકેલી જોઈ ત્યાં હાજર બધા ચોકી ગયાં હતા. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, પીનલભાઇ વર્ષોથી ટેલરિંગનો ધંધો કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ધંધો બરાબર નહીં ચાલતો હોય જેના કારણે તેઓ મંદીમાં સપડાયા હતા અને આર્થિક સંકળામણના કારણે માનસિક તણાવમાં આવીને તેમના ફાંસો ખાઇ મોતને વાહલ કર્યો હતો.