(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૯
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ લઘુતમ આવકની બાંહેધરીની કરેલી જાહેરાતને ગુજરાત કોંગ્રેસે આવકારી જણાવ્યું છે કે લઘુતમ આવકની બાંહેધરીથી સામાજિક ન્યાય કાયદો દરેક નાગરિકને દેશની સામૂહિક સંપત્તિમાં તેનો હિસ્સો મળશે અને દેશના તમામ નાગરિકો માટે પાયાનું જીવનધોરણ સુનિશ્ચિત બનશે.
આજરોજ પત્રકાર પરિષદને સંબોધન કરતાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હંમેશા જે વચન આપશે તેનું પાલન કરશે અને તેના ભાગરૂપે રાજ્સ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, કર્ણાટક, પંજાબમાં ખેડૂતોના દેવામાફી કરવામાં આવી છે. કોંગ્રેસ નેતૃત્વ યુપીએ સરકાર વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ અને યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીએ ૨૦૦૪ અને ૨૦૧૪ની વચ્ચે ઐતિહાસિક કાયદો મનરેગા, શિક્ષણનો અધિકાર, અન્ન સુરક્ષા કાયદો, માહિતીનો અધિકાર, જંગલના જમીનનો અધિકાર દ્વારા દેશના કરોડો નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવવામાં આવ્યું. મનરેગા અને ખાદ્યાનની સુરક્ષા કાયદા દ્વારા ૧૪ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા. કોંગ્રેસ પક્ષે લઘુતમ આવકની બાંહેધરી આપવાનો નિર્ણય કર્યો છે. તેની વિગતો કોંગ્રેસ પક્ષના ચૂંટણી ઢંઢેરામાં જાહેર કરવામાં આવશે. યુપીએના શાસન દરમ્યાન દેશમાં ગરીબીનું પ્રમાણ ૨૦૦૪માં ૩૭.૦ ટકાથી ઘટીને ૨૦૧૦માં ૨૧.૯ ટકા થયું હતું. સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલ મુજબ ૨૦૦૫-૦૬ પક્ષના દાયકામાં ભારતમાં ૨૭ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. તેનાથી વિપરીત, ભાજપના શાસનમાં ગરીબી અને ભૂખમરો દૂર કરવાની બાબતની સંપૂર્ણ અવગણના કરવામાં આવી છે. ૨૦૧૮માં ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત નાઇજીરીયાની સાથે ૧૦૩ નંબરના ક્રમાંક પર હતો. જે ભૂખમરાના ગંભીર પ્રમાણનો નિર્દેશ કરે છે. ૨૦૧૭-૧૮ના આર્થિક સર્વેક્ષણ મુજબ “યુનિવર્સલ બેંકિંગ ઇન્કમ” ‘યુબીઆઇ’ મુજબ ત્રણ લાક્ષણિકતાઓ છે. દરેક નાગરિકને રોકડની ચૂકવણી, આવી ચૂકવણી બિનશરતી હોય, દરેક નાગરિકને આવી રકમ મરજી મુજબ ખર્ચ કરવાની છૂટ મળે છે. ૨૦૦૫માં મનરેગા યોજના શરૂ કરવામાં આવી ત્યારે પણ આવી જ દલીલ કરવામાં આવી હતી. પણ આજે મનરેગાના લીધે ગ્રામિણ અર્થતંત્ર મજબૂત બન્યું છે અને લાખો પરિવારોના જીવનમાં પરિવર્તન આવ્યું છે.