(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૪
ઉત્તરાયણનો પર્વ પતંગરસિયાઓ માટે આનંદ ઉલ્લાસનો બની રહ્યો હતો તો બીજી તરફ કેટલાક પરિવારો માટે ગમગીનીનો પર્વ બની રહ્યો હતો. પતંગરસિકો એ કાટા… એ કાપ્યો છે ની બૂમ પાડવામાં મશગૂલ હતા ત્યાં કેટલાય અબોલ પક્ષીઓ અને માનવોની ચીસો એ કાટા…ની બૂમોમાં ધરબાઈ ગઈ હતી. રાજ્યમાં પતંગની દોરીએ અને પતંગ પકડવા જતા ચાર બાળકો સહિત છ જણાનાં મોત નિપજ્યાં છે તો દોરી વાગવાથી આગ, દાઝવાના કે વાહન અકસ્માતના ૮૦થી વધુ કેસો નોંધાયા છે.
આજે ઉત્તરાયણના પર્વને લઇ પતંગરસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે. ગત બે-ત્રણ વર્ષ કરતા આ વર્ષે સારો પવન હોવાથી પતંગરસિયાઓને પંતગ ઉડવવા અને એકબીજાના પેચ કાપવામાં મોજ પડી ગઇ હતી. તો કેટલીક જગ્યાએ આ પર્વ કાળ સમાન બન્યો છે. ધાબેથી પડી જવાના ૪૮ કેસો, દોરી વાગવાના ૪૨ કેસો, આગ અને દાઝવાના ૩ કેસ, હુમલાના ૧૭ કેસ, અને વાહન સાથે અકસ્માતના ૭૮ કેસ નોંધાયા હતા.
બનાસકાંઠાના ડીસામાં એક બાળકીનું મોત થયું છે. ડીસાના વાડીરોડ વિસ્તારમાં એક પરિવાર ધાબા પર પતંગ ઉડાવવાની મજા માણી રહ્યો હતો. ત્યારે આ પરિવારનો ઉત્સાહ અને ઉમંગ માતમમાં ફેરવાઇ ગયો હતો. ધાબા પર પતંગ ચગાવવાની મજા માણી રહેલા આ પરિવારની ૧૦ વર્ષની બાળકી ધાબા પરથી નીચે પડી ગઇ અને તેનું સ્થળ પર જ મોત નિપજ્યું છે.
જ્યારે પાલનપુરની ગ્રીનપાર્ક સોસાયટીના બાળકનું મોત નીપજ્યું હતું. વીજ વાયરમાં ફસાયેલો પતંગ કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે દોરીને લીધે આખા શરીરમાં કરંટ પ્રસરી જતાં બાળક સ્થળ પર જ મોતને ભેટ્યો હતો.
મહેસાણાના કસ્બા વિસ્તારના લવાર ચક્લામાં પતંગની દોરી વાગવાથી આઠ વર્ષના બાળકનું મોત થયું છે. તેજીબ ફિરોઝ પઠાણ નામના બાળકને ગળાના ભાગમાં દોરી વાગવાથી તેનું મોત કરૂણ મોત થયું છે. આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. તો બાળકના મોતથી પરિવાર તેમજ આસપાસના સ્થાનિક રહીશોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.
સુરતના નાના વરાછા ફ્લાયઓવર બ્રિજ પાસે કપાયેલો પતંગ પકડવા જતા અજાણ્યા વાહનની ટક્કરે એક બાળકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ થતા સરથાણા પોલીસ સ્થળ પર દોડી આવી છે અને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે આણંદના બદલપુરમાં એક યુવકને પતંગની દોરી વાગવાથી ગળું કપાઇ ગયું હતું. ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
જ્યારે ધોળકા ખેડા હાઈવે પરથી બાઈકસવાર પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક પતંગની દોરી ગળામાં ફસાતા બાઈકસવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એકને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.