(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા.રર
અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા બકરી ઈદના તહેવાર નિમિત્તે જીવદયાના નામે મુસ્લિમોને કનડગત ન થાય તેની તકેદારીરૂપ પગલાં લેવા કલેક્ટર તથા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આ આવેદનપત્રમાં જણાવ્યાનુસાર પાડા-પાડી ઘેટાં-બકરા જેવા જાનવરોની કુરબાની કરવી એ મુસ્લિમોની ધાર્મિક બાબત અને મુસ્લિમોનો બંધારણીય હક્ક છે. આવા સમયે મુસ્લિમ વિરોધી માનસ ધરાવતા કેટલાક સંગઠનો “જીવદયા”ના નામે બહાર ગામડાઓમાંથી લવાતા જાનવરો પકડી ખોટા કેસો બનાવી હેરાન કરે છે. જાનવરો અને પરિવહનના વાહનો લઈ લે છે, તોડફોડ કરે છે, અને લાવનાર ઈસમોની જોડે ઝઘડો કરી મોટા ઝઘડાનું રૂપ આપે છે. “આવા ગુંડા તત્ત્વો અને સંગઠનો ધર્મના નામે હિન્દુ-મુસ્લિમના હુલ્લડોનું રૂપ આપે છે. આપણા કચ્છ જિલ્લામાં આવા ગેરબંધારણીય બનાવો ન બને અને બંધારણીય હક્ક મુજબ મુસ્લિમોને પરંપરાગત ધાર્મિક તહેવાર ‘‘બકરી ઈદ’’ આ અંગે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો પર ઘટતા આદેશ આપવા કલેક્ટર, તથા પૂર્વ અને પશ્ચિમના પોલીસવડાને અરજી કરવામાં આવી છે.
આ પ્રસંગે કચ્છ જિલ્લા સેવા સદન ખાતે પ્રમુખ ઈબ્રાહીમ જે.હાલેપૌત્રા, ઉપપ્રમુખ આદમ પઢિયાર, સેક્રેટરી કાસમશા સૈયદ, માંડવી તાલુકા પ્રમુખ આલમશા સૈયદ, ભૂજ શહેર પ્રમુખ હાજી ગફુર શેખ, તાલુકા પ્રમુખ ઈબ્રાહીમ જત, નખત્રાણાના હાજી અલીમામદ લાંગાય, મુન્દ્રાના ઈર્શાદહુલ હક્ક બુખારી, અબડાસાના સાલેમામદ પઢિયાર, ગાંધીધામના યુસુફ પઠાણ, લખપતના હાસમના નોતિયાર, અંજાર શહેર પ્રમુખ અબ્દુલ સત્તાર ખત્રી અને માંડવીના ઈબ્રાહીમ જુણેજા ઉપસ્થિત રહ્યા હતા.