લુણાવાડા, તા.૧૩
મહીસાગર જિલ્લાના મુખ્ય લુણાવાડા ખાતે આવનાર મુસ્લિમોના પવિત્ર તહેવાર બકરી ઈદ નિમિત્તે કોઈપણ પ્રકારની કનડગત ન થાય તે હેતુસર આજરોજ મધ્ય ગુજરાત મસ્લિમ સેવા સમાજ દ્વારા જિલ્લા સમાહર્તા અને જિલ્લા વડા ઉષા રાડાને રૂબરૂમાં મળી આવેદન પાઠવવામાં આવ્યું હતું.
આજરોજ આપેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં ગાય અને તેની નસલની કુરબાની (કતલ) પર પ્રતિબંધ છે અને મુસલમાનો સરકારી કાયદાને માન આપે છે અને તેના પર અમલ કરી પોતાની નૈતિક ફરજ બજાવે છે. જેથી ગુજરાતમાં ગાય અને તેની નસલની કુરબાની મુસ્લિમો દ્વારા આપવામાં આવતી નથી. આવેદનપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે બાકીના ઘેટા-બકરા, પાડા-પાડી જેવા જાનવરોની કુરબાની કરવી એ મુસ્લિમોની ધાર્મિક બાબત અને મુસ્લિમોનો બંધારણીય હક્ક છે. એવા સમયે મુસ્લિમો વિરોધી માનસિકતા ધરાવતા કેટલાક સંગઠનો ‘જીવદયા’ના નામે પોલીસ સાથે સાંઠ-ગાંઠ કરી બહાર ગામડાઓમાંથી લાપતા જાનવરોને પકડી ખોટા કેસો બનાવી હેરાન કરે છે. જાનવરો અને પરિવહનના વાહનો લઈ તોડફોડ કરે છે. તેમજ લાવનાર ઈસમને બેરહેમથી માર મારે છે. આવેદનપત્રમાં રોષ ઠલવતા જણાવવામાં આવ્યું છે કે કેટલીક વખત આવા બનાવોમાં પોલીસ પણ મુક્તપ્રેક્ષક બની રહી જોઈ રહેતી હોય છે અને કેટલીક વખતે આવા અસામાજિક તત્ત્વો અને સંગઠનો ધર્મના નામે જુલ્મ કરતા હોય છે. આવા અનેક તાજેતરમાં થયેલ બનાવોના કારણે સુપ્રીમકોર્ટ પણ કડક શબ્દોમાં ટીકા કરી ગૌરક્ષાના નામે ગુંડાગીર્દી સાંખી લેવામાં ન આવે અને કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી રાજ્ય સરકારને અપીલ પણ કરી છે.
આપેલ આવેદનપત્ર મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના ઉપપ્રમુખ ઈરફાનભાઈ પઠાણ, લુણાવાડા પાલિકાના ઉપપ્રમુખ ઈદરીશ સુરતી, ભૂતપૂર્વ ઉપપ્રમુખ જમીલ રશીદ, સૈયદ સાહબ, કાઝી સાહબ અને આસીફ શેખે આગેવાની કરી હતી અને બંધારણીય હક્ક મુજબ મુસ્લિમોને પરંપરાગત ધાર્મિક તહેવાર બકરી ઈદ મનાવવામાં કોઈ તકલીફ ન પડે, હેરાનગતિ ન થાય તે પ્રાણે વ્યવસ્થા ગોઠવી આપવા અંગે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો પર ઘટતા આદેશો આપવા નમ્ર અરજ કરી હતી.