(એજન્સી)
હૈદરાબાદ,તા.૪
૧૨ વર્ષનો રવિ તેજા નામનો એક કિશોર સારી રીતે જાણે છે કે રસ્તા પર પડતા મોટા ખાડા અને ભૂવા કેટલા ખતરનાક પુરવાર થઇ શકે છે. હૈદરાબાદના હબીસકુડામાં રહેતા આ કિશોરે તાજેતરમાં જ મોટરસાયકલ પર સવાર એક પરિવારના ત્રણ સભ્યોને અકસ્માતનો ભોગ બનતા જોયા હતા. એક ખાડાથી બચવાની કોશિશમાં આ પરિવાર મોટરસાયકલ પરથી નીચે પડી ગયો હતો અને તમામ લોકોના માથામાં ઊંડી ઇજા પહોંચી હતી.
આ અકસ્માતને જોઇને રવિ તેજાએ અધિકારીઓને જાણ કરવાના બદલે જાતે જ સડક પરના ખાડા પૂરવાનો નિર્ણય કર્યો કારણ કે તેલંગણાના મુખ્ય પ્રધાનના આદેશ છતાં અધિકારીઓ ખાડાની સમસ્યા સામે આંખ આડા કાન કરી રહ્યા છે. રવિ આસપાસના વિસ્તારોમાંથી ઇંટોના ટુકડા, પથ્થરો વગેરેથી રોડ પર પડેલા ખાડાઓ પૂરવા લાગ્યો.
મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવે ૧ મેના રોજ એક મહિનાની અંદર રાજ્યના તમામ ખાડાઓ પૂરી દેવા આદેશ કર્યો હતો પરંતુ એક મહિનાની સમયમર્યાદા વિતી જવા છતાં કોઇ સુધારો થયો ન હતો અને સમગ્ર રાજ્યમાં વરસાદ શરુ થતા સ્થિતિ વધુ વણસી હતી. બાંધકામ મજૂર ડી સૂર્યનારાયણ અને ગૃહિણી નાગમણિના પુત્ર રવિના જણાવ્યા અનુસાર મે અકસ્માત જોયા બાદ મને એવું લાગ્યું કે આ ખાડાઓ અંગે મારે ચોક્કસપણે કંઇક કરવું જોઇએ કે જેથી ફરીથી આવા અકસ્માતો સર્જાય નહીં. હું છેલ્લા એક અઠવાડિયાથી આવા ખાડાઓ પૂરવાનું કામ કરી રહ્યો છું. દરરોજ કેટલાય કલાકો સુધી આ કામમાં લાગેલો રહું છું. રવિના જણાવ્યા પ્રમાણે તે આ કામ પોતાના માટે કરી રહ્યો છે અને ભવિષ્યમાં પણ કરતો રહેશે. તે હવે ટૂંક સમયમાં પોતાના મિત્રોને પણ આ કામ કરવામાં મદદ કરવા કહેશે. ધો.૬માં અભ્યાસ કરતા આ કિશોરના કામને જોઇને સ્થાનિક લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. ઇંટાળા, કપચી, પથ્થરો વગેરે આસપાસના વિસ્તારોમાંથી એકત્ર કરીને રવિ સડક પરના તમામ ખાડાઓ પૂરી રહ્યો છે.
જીવલેણ અકસ્માત જોયા બાદ હૈદરાબાદનો આ બાર વર્ષનો કિશોર રસ્તા પરના તમામ ખાડા જાતે પૂરી રહ્યો છે

Recent Comments