અમદાવાદ, તા.૧
“સુરક્ષિત ગુજરાત” અને “સબ સલામત”ના દાવા કરનારી ભાજપ સરકારના રાજ્યમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તો કથળી જ છે સાથે જ લોકો અસુરક્ષિત હોવાનો અનુભવ પણ કરી રહ્યા છે. ખાસ કરીને લઘુમતી અને દલિત કોમના લોકો પર છાશવારે થતાં જીવલેણ હુમલા ગુજરાતની સલામતી અને સુરક્ષા પર પ્રશ્નો ઉભા કરે છે. છેલ્લા ઘણા સમયથી દલિતો પર છોડી રાખવા, ખુરશી પર બેસવા, નામ પાછળ સિંહ લખાવવા, મોજડી પહેરવા, મૂછ રાખવા જેવા અનેક મુદ્દે વારંવાર હુમલા થયા છે ત્યારે ફરી એકવાર અમદાવાદ જિલ્લાના કાવિઠા ગામે એક યુવકે મૂછ રાખતાં તેનાં પર જીવલેણ હુમલો થયો છે. ૭ શખ્સે દલિત યુવક પર હુમલો કર્યો. આ હુમલામાં ૩ જેટલાં લોકો ઘાયલ થયાં છે. જ્યારે પોલીસે ૭ હુમલાખોરો વિરુદ્ધ એટ્રોસિટી અને રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે.
ફરિયાદમાં નોંધેલી વિગતો મુજબ કથિત રીતે અલ્પેશ પંડ્યા નામનાં એક દલિત યુવકને ગામનાં જ અન્ય સમાજનાં કેટલાંક લોકોએ માર મારીને રેઝર દ્વારા તે દલિત યુવકની મૂછો કાઢી નાખી હતી.
મહત્વનું છે કે આવાં અનેક વાર કિસ્સાઓ સામે આવતા હોય છે કે જો દલિત લોકો મૂછો રાખે તો તેને જબરદસ્તી કાઢી નાંખવામાં આવે છે. તો શું દલિતોએ મૂછો રાખવી જોઇએ કે નહીં તે પણ એક સવાલ ઉભો થાય છે. આ મામલે પોલીસે એટ્રોસિટી અને રાયોટિંગનો ગુનો નોંધી તપાસ આગળ ધપાવી છે જ્યારે દલિત યુવક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ મહેસાણામાં પણ જાતિવાદનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં બહુચરાજીમાં એક યુવકને માર મારતો વીડિયો સામે આવ્યો હતો. ૨ યુવકો એક પીડિત યુવકને માર માર્યો હતો. તે બંને યુવકોએ એક પછી એક ડંડા-લાત વરસાવીને પીડિત યુવકને ઢોર માર માર્યો હતો. આ ઉપરાંત આ પહેલા પણ આ જ રીતે સાબરકાંઠા જિલ્લાનાં ઇડર તાલુકાનાં ગોરલ ગામમાં એક દલિત યુવકને મૂછો રાખવાના મામલે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાયેલી છે. ઇડર તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.