મોટે ભાગે પોતાના મોબાઈલ પર ચેટમાં વ્યસ્ત રહેનારા લોકો આજકાલ એક નવા કામમાં રોકાયેલા છે. લોકોની દિલચસ્પી મોબાઈલ પર આવતી અપ-ડેટ્‌સથી વધારે વારંવાર હવામાન વિભાગની અપ-ડેટ્‌સને લઈ જોવા મળી રહી છે. જેઓ આવી અપ-ડેટ્‌સ જોઈ નથી શકતા, તેઓ વારંવાર કોઈને પૂછતા જોવા મળે છે કે મિત્ર જુઓને આજનું તાપમાન કેટલું છે.
અચાનક વધતા આ પારાએ ના તો માત્ર લોકોના ઘરની બહાર જવા પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ ઘણી બધી મુશ્કેલીઓ પણ ઊભી કરી દીધી છે. ઉનાળો ફક્ત તેની સાથે ધોમધખતો તડકો જ નથી લાવતો, પરંતુ ઘણી બધી અન્ય મુશ્કેલીઓ પણ લાવે છે. શેકાઈ જઈએ તેવી લૂના થપેડાથી દરેકનો જુસ્સો શાંત થઈ જાય છે આને કારણે આપણી ઊર્જા એ રીતે પ્રભાવિત થાય છે કે આપણે થાકેલા-થાકેલા રહેવા લાગીએ છીએ.
શા કારણે લાગે છે થાક : ઉનાળાનો થાક અથવા સમર ફટીંગના ઘણા કારણો હોય છે, જેની જો યોગ્ય સમયે સારવાર કરવામાં ના આવે તો સમસ્યા ગંભીર બનતી જાય છે. ઘણીવાર તો પરિસ્થિતિ જીવલેણ બનતી જાય છે. વધુ પરસેવો થવો, ઊલટી, ડાયેરિયા અથવા શરીરના કોઈ અંગમાંથી લોહી વહેવાને કારણે શરીરમાં પાણીનું સ્તર ઘટી જાય છે, જેના કારણે શરીરમાંથી જરૂરી ખનીજ તત્ત્વો નીકળી જાય છે.
ખાદ્યચીજો પણ છે એક કારણ : આટલી ગરમીમાં મસાલાઓથી ભરપૂર ભોજન આરોગવાથી, વધારે તળેલું ખાવાથી પેટને લગતી બીમારીઓ શરૂ થાય છે અને પછી ડાયેરિયા, શરીરમાં પાણી ઘટી જવું, બ્લડ સુગર ઘટી જવું, જેવી સમસ્યાઓ સર્જાય છે આને કારણે હંમેશા એક પ્રકારનો થાક અનુભવાય છે. માટે યોગ્ય સમયે તેની સારવાર કરવી જરૂરી છે.
શું કાળજી રાખશો : જ્યારે આપણા શરીરમાંથી વધુ પરસેવો નીકળે છે ત્યારે શરીરમાંથી પાણી ઘટવાની સાથે ઈલેક્ટ્રોલાઈટ્‌સ નામના ખનીજ તત્ત્વોનું પ્રમાણ પણ ઓછું થઈ જાય છે. તાપમાન વધવાની સાથે સાથે ભૂખ ઓછી લાગે છે અને આ કારણે આપણું શરીર નબળું થઈ જાય છે. લોહીમાં શર્કરાનું પ્રમાણ ઓછું થવા લાગે છે અને થાક લાગે છે. આવા સમયે પાણી ઓછું પીવાથી પણ થાક વર્તાય છે, તેથી સલાહ આવામાં આવે છે કે ઉનાળામાં પ્રવાહી પ્રદાર્થોનું સેવન વધુ પ્રમાણમાં કરવું જોઈએ, જેથી શરીરમાં ઊર્જાનું પ્રમાણ જળવાઈ રહે.
પ્રદૂષિત ભોજન આરોગવાથી પણ શરીરમાં ઊર્જાનું પ્રમાણ ઘટવા લાગે છે. હકીકતમાં વધુ ગરમ તાપમાનનને કારણે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, જેના કારણે રાંધેલા ભોજનમાં પણ ઘણા બધા જીવાણુંઓ પેદા થવા લાગે છે. આને કારણે ડાયેરિયા જેવી સમસ્યા સર્જાય છે, જે શરીરની બધી જ ઊર્જાનો નાશ કરે છે.
અન્ય ઉપાયો પણ જરૂરી : આ સમયે તાપમાન પ૦ ડિગ્રીએ પહોંચી જાય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. આટલું તાપમાન શરીરમાં નબળાઈ પેદા કરવા માટે પૂરતું છે, એટલા માટે ખાદ્યચીજો પર નિયંત્રણ રાખવાની સાથે અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ભર-બપોરે બહાર જવાનું ટાળવું જોઈએ. આવા વાતાવરણમાં આરામદાયક તથા આછા રંગના સુતરાઉ કપડા પહેરવા જોઈએ.
શું રાખશો સાથે :
– જો ચક્કર આવે અથવા ઝાંખય આવે તો તરત જ નારિયેળ પાણી અથવા લીંબુ પાણી પી લો, જેથી શરીરમાં ઈલેક્ટોલાઈટ્‌સની ઊણપ ના સર્જાય તમે તરત ગ્લુકોઝનું પાણી પણ પી શકો છો. આ ત્વરિત ઊર્જા મેળવવામાં લાભદાયક છે.
– ઘરની બહાર નીકળતી વખતે હંમેશા પોતાની સાથે પલળેલી બદામ અથવા અખરોટ રાખો, જેથી જ્યારે પણ નબળાઈ અનુભવાય, ત્યારે તરત જ આને ખાઈ લો. આ પણ ઊર્જા મેળવવામાં લાભદાયક છે.
– ખાલી પેટે તડકામાં ક્યારેય બહાર ના જાઓ. ઉનાળામાં જઉં અને ચણાનો બનાવેલો લાડુ ખાવો લાભદાયી છે.
– બહાર નીકળતી વખતે હંમેશા પોતાની પાસે પાણી જરૂરથી રાખો.
• આ બાબતોનું પણ ધ્યાન રાખો :
– તમામ પ્રકારના ઉપચાર અને બચાવની સાથે સાથે આપણે કેટલીક વાતોને આપણી આદતોમાં સામેલ કરી લેવી જોઈએ. આપણી જીવનશૈલીમાં ફેરફાર કરીને આપણે ઘણી બાબતોને આપણી આદત પણ બનાવી શકીએ છીએ, કારણ કે આપણે આપણા શરીરને કૂલ રાખવાનું છે. આ બધી જ સમસ્યાઓથી બચવા માટે ખાદ્ય ચીજોનું ધ્યાન રાખવું જરૂરી છે.
– એક દિવસમાં ઓછામાં ઓછું ચાર લિટર પાણી જરૂરથી પીવો. આને પોતાની આદતોમાં સામેલ કરો.
– રોજિંદા ભોજનની સાથે છાશ, લસ્સી, જલ-જીરા, કાંજી, લીંબુ પાણી, બેલનું શરબત તથા તાજા ફળોના રસને વધુ સામેલ કરો.
– કાકડી અને તરબૂચ જેવા પાણીવાળા ફળોનું સેવન કરો.
– તળેલું તથા મસાલાઓથી ભરપૂર ભોજન ટાળવું જોઈએ.
– કૈફીયુક્ત પદાર્થો તથા આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ.
– ફાઈબર યુક્ત ખોરાક ખાવો જોઈએ.
– ફૂદીનાની તાસીર ઠંડક આપનારી હોવાથી, તેનો અને દહીંનો ભોજનમાં સમાવેશ કરવો જોઈએ.
– શક્ય હોય તો રાત્રે હલકો ખોરાક ખાવો જોઈએ અને બપોરના ભોજનમાં દાળ-ભાતની સાથે સલાડનો ભરપૂર પ્રમાણમાં આહાર લેવો જોઈએ.