(એજન્સી) તા.૯
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(જેએનયુ)માં ૫ જાન્યુઆરીના રોજ બુકાનીધારી હુમલાખોરો દ્વારા જે રીતે હુમલો કરવામાં આવ્યો તે દર્શાવે છે કે આગળ ભવિષ્ય વધારે ચિંતાજનક બની ગયું છે. આ હુમલાથી દિલ્હી પોલીસ પણ ઉઘાડી પડી ગઈ અને જેએનયુ તંત્ર પણ દયનીય હાલતમાં છે તે દેખાઈ આવ્યું. આ હુમલાના માધ્યમથી યુનિવર્સિટી કેમ્પસમાં નીચલી કક્ષાનું રમાતું રાજકારણ પણ હવે સૌની સામે આવી ગયું છે.
ત્રણ કલાકમાં બુકાનીધારીઓએ જે રીતે કેમ્પસમાં હિંસા આચારી, વિદ્યાર્થીઓને ભયભીત કરી મૂક્યા, શિક્ષકો પણ હવે ભયના ઓથારે જીવવા મજબૂર થઈ ગયા છે ત્યારે જેએનયુની સિક્યોરિટી અને દિલ્હી પોલીસ જેમને યુનિવર્સિટીના વહીવટીતંત્રના બ્લોકની આજુબાજુ બંદોબસ્તમાં તહેનાત કરવામાં આવ્યા છે તેઓ મૂકદર્શક બનીને ફક્ત બધી જ ઘટનાને જોતા રહ્યાં.
આ દરમિયાન પોલીસ પ્રવક્તાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે જ્યારે અમને હિંસાની માહિતી મળી ત્યારે અમે ત્વરિત કાર્યવાહી કરી. જોકે હજુ પણ એવા અનેક સવાલો છે જેના હજુ સુધી જવાબ મળ્યાં નથી. તેના પર એક નજર કરો.
– જ્યારે જેએનયુ કેમ્પસમાં સિક્યોરિટી કમાન્ડરો તહેનાત છે અને સંપૂર્ણપણે કાબુ ધરાવે છે ત્યારે બુકાનીધારીઓ કેવી રીતે કેમ્પસમાં પ્રવેશી ગયા?
– તેઓ દિલ્હી પોલીસની હાજરીમાં પણ હિંસા કર્યા પછી કેવી રીતે પલાયન કરવામાં સફળ રહ્યાં?
– સ્ટ્રીટ લાઈટો શા માટે બંધ રખાઈ?
– મુખ્ય મુદ્દો એ છે કે જ્યારે કેમ્પસ છેલ્લા પાંચ દિવસથી અશાંતિથી પસાર થઈ રહ્યો હતો, અને પોલીસને બરાબર માહિતગાર કરવામાં આવી હતી, ત્યારે કઇ નિવારક કાર્યવાહી કરવામાં આવી હતી?
– કોઈ વિશેષ જૂથ ફી વધારા સામેના આંદોલનને લાંબું કરવા માગતો હતો અને પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છતા લોકોને બળજબરીથી રોકી રહ્યો હતો. આ જૂથ વિદ્યાર્થીઓને ઓનલાઇન નોંધણી કરાવવાથી અટકાવતું હતું. સ્થિતિ કાબૂ બહાર થઇ રહી હતી અને તેમાં ત્વરિત દખલ કરવાની જરૂર હતી.
– પોલીસ પ્રવક્તા કહે છે કે તેઓ ૭ઃ૪૫ વાગ્યે સાંજે મંજૂરી મળ્યા પછી કેમ્પસમાં પ્રવેશ્યા જ્યારે એફઆઈઆરમાં સ્પષ્ટ લખ્યું છે કે માહિતી ૩ વાગ્યે બપોરે મળી ગઇ હતી. જ્યારે ગુનો બની રહ્યો હતો તો તેને રોકવા માટે શું પોલીસને અંદર જવા માટે મંજૂરીની જરૂર હતી? આવી જ રીતે તો પોલીસ શા માટે જામિયામાં પ્રવેશી ગઇ હતી? ત્યારે કેમ મંજૂરી ના લીધી? જેએનયુમાં તો ગુંડાઓ પ્રવેશી ગયા હતા અને તેમણે યુનિવર્સિટીની મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું.
– આ સમગ્ર ઘટના માટે સૌથી મોટા દોષિત તો જેએનયુના વાઇસ ચાન્સેલર અને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જ છે. તેઓ ચૂપચાપ ઘટનાક્રમને જોતા રહ્યાં. જો વિદ્યાર્થીઓ વાતચીત કરવા તૈયાર હતા તો શા માટે વાઇસ ચાન્સેલર વાટાઘાટો કરવા માટે તૈયાર ન થયા? ફી વધારાનો મુદ્દો આટલો લાંબો કેમ ચગાવાયો?
– વાઇસ ચાન્સેલરે જ આ ઘટનાક્રમને આગળ વધવા દીધો. પરિણામ સ્વરૂપે યુનિવર્સિટીમાં હાલમાં તંગદિલીપૂર્ણ માહોલ છે. જો વીસી, ડીન કે પ્રોક્ટરે પોલીસને સમયસર બોલાવી હોત અને દખલગીરી કરી હોત તો આ ઘટના ન બની હોત.