(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
રવિવારે લાકડીઓ સાથે બુકાનીધારી ગુંડાઓ દ્વારા ભારતની પ્રતિષ્ઠિત જેએનયુ યુનિવર્સિટીમાં ઘૂસીને વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલાના વિરોધમાં ભારતભરમાં વિદ્યાર્થીઓ દેખાવો કરવા માટે માર્ગો પર ઉતરી આવ્યા છે. હુમલામાં ઘાયલ થયેલા ૪૦ જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફના લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હુમલાના વીડિયો તરત સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા અને ત્યારબાદ તેને સમાચાર ચેનલો પર પણ દેખાડાયા હતા આના કારણે આક્રોશ અને આઘાતની લાગણી સરી હતી. રાજધાની દિલ્હી સહિત વિદ્યાર્થીઓ ચંદીગઢ, બેંગ્લોર, મુંબઇ અને હૈદરાબાદમાં દેખાવો કરવા નીકળી પડ્યા હતા. બીજી તરફ પોલીસે તપાસ શરૂ કરી છે અને કહ્યું છે કે, કેટલાક હુમલાખોરોને ઓળખી કાઢવામાં આવ્યા છે. આ હુમલાઓની ચારેતરફથી ટીકા કરવામાં આવી રહી છે જેમાં યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા હાલના નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ જયશંકરનો સમાવેશ થાય છે.
દેશની વિવિધ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ દ્વારા ભારે દેખાવ કરવામાં આવી રહ્યા છે અને તેઓ હુમલાઓ વિરૂદ્ધ આકરા પગલાં લેવાની માગણી કરી રહ્યા છે. ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા આરોપ લગાવાયો છે કે, સત્તાવાળાઓએ આકરી કાર્યવાહી કરી નથી. દેખાવ કરી રહેલી એક વિદ્યાર્થીની કનુપ્રિયાએ કહ્યું હતું કે, જેએનયુમાં વિદ્યાર્થીઓ હોસ્ટેલ ફીના વધારા સામે એક મહિનાથી દેખાવો કરી રહ્યા હતા. આ દેખાવકારોને ઘણી વખત અટકાયતામાં લેવાયા અને જેલમાં મોકલાયા હતા. પણ હવે પોલીસ આ ઘટનામાં મૂકદર્શક બની રહી છે. આનાથી જાણવા મળે છે કે, આ ઘટનામાં કોણ જવાબદાર છે. હુમલાનું કારણ હજુ પણ જાણવા મળ્યું નથી. પરંતુ જેએનયુના વિદ્યાર્થી સંગઠને હિંસા માટે ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને જવાબદાર ગણાવ્યું છે. બીજી તરફ એબીવીપીના અધ્યક્ષ દુર્ગેશ કુમારે કહ્યું કે, તેમના પોતાના સભ્યો પણ આ હિંસામાં ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે, લાકડીઓ, હથિયારો અને માસ્ક પહેરીને ગુંડાઓ ડર વિના કેમ્પસમાં ફરી રહ્યા છે, તેઓ એબીવીપીના વિદ્યાર્થીઓને મારી રહ્યા છે અને પોતે નિર્દોષ હોવાનું ગણાવી અમારા એબીવીપી પર આરોપ મુકી રહ્યા છે. ડાબેરી પાંખના વિદ્યાર્થીઓ અમારી છબિ ખરડવા માગે છે. બેંગ્લોરમાં દેખાવ કરી રહેલા જેએનયુના પૂર્વ વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, આ યુનિવર્સિટી કેમ્પસમાં પહેલા આવું ક્યારેય બન્યું ન હતું. મલિંગા સિરિમાને નામના વિદ્યાર્થીએ જણાવ્યું કે, દેશભરમાં ઘણા સંઘર્ષો માટે જેએનયુ પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે. માત્ર એ માટે જ નહીં પણ યુનિવર્સિટી અનેક કામો માટે દાખલારૂપ છે. અહીં વિદ્યાર્થીઓને અનેક યાતનાઓ પણ સહન કરવી પડે છે. કોલકાતામાં પણ બે મોટી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. દેખાવકારોએ કહ્યું હતું કે, રવિવારનો દિવસ જેએનયુમાં જે બન્યું તે માટે ઇતિહાસનો કાળો દિવસ બની રહ્યો હતો. રવિવારે સાંજે સાત વાગે જેએનયુ કેમ્પસમાં આ હુમલો થયો હતો. કેટલાક બુકાનીધારી લોકો લાકડીઓ સાથે કેમ્પસમાં પ્રવેશ્યા હતા જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. જેમણે વિદ્યાર્થીઓને માર મારવાનું શરૂ કર્યું હતું. તેમની પાસે લાકડીઓ, પથ્થરો અને લોખંડના સળિયા હતા. પ્રોફેસર અતુલે સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, તેઓ એટલા મોટા પથ્થરો મારી રહ્યા હતા કે, જેનાથી અમારા માથા ફાટી જાય. હું જમીન પર પડી ગયો હતો અને જ્યારે ઉભો થયો ત્યારે જોયું કે મારી કારને સંપૂર્ણપણે નુકસાન પહોંચાડ્યું હતું. આની સાથે અન્ય કારોને પણ ભારે નુકસાન પહોંચાડાયું હતું. ઘટનાના વીડિયો પરથી જાણી શકાય છે જેમાં બારીઓના કાચ તોડાયા હતા જ્યારે ખુરશીઓને પણ તોડવામાં આવી હતી. એક વિદ્યાર્થી સંગઠનની ઘાયલ થયેલી પ્રમુખે જણાવ્યું હતું કે, માસ્ક પહેરેલી એક મહિલાએ તેના પર હુમલો કર્યો હતો. પ્રોફેસર સૂદે જણાવ્યું કે, આશરે ૫૦ શિક્ષકો અને ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ કેમ્પસમાં મીટીંગ કરી રહ્યા હતા ત્યારે જ અચાનક આ હુમલો થયો હતો.