(એજન્સી) તા.૩૦
જુલાઇ ૨૦૧૮માં વિરોધ દેખાવોમાં ભાગ લેવા બદલ ૪૮ અધ્યાપકોને જેએનયુ પ્રશાસન દ્વારા ચાર્જશીટ આપવાના એક દિવસ બાદ જેએનયુ ટીચર્સ એસોસિએશને આ હિલચાલને વખોડી કાઢી છે અને જણાવ્યું છે કે તેમને પસંદગી કરીને કિન્નાખોરીથી નિશાન બનાવવામાં આવે છે.
૪૮ શિક્ષકો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ ચાર્જશીટનો પ્રતિસાદ આપતા જેએનયુ ટીચર્સ એસોસિએશને જણાવ્યું હતું કે સેન્ટ્રલ સિવિલ સર્વિસીઝ રૂલ કનડગત અને ધાકધમકીના મકસદ સાથે વ્યક્તિગત શિક્ષકો વિરુદ્ધ સેન્ટ્રલ સિવિલ સર્વિસીઝ રુલ્સ થોપવામાં આવી રહ્યાં છે. સેન્ટ્રલ સિવિલ સર્વિસીઝ રુલ્સ ૧૯૬૫ હેઠળ ચાર્જશીટ ઘડવામાં આવી હતી. એક નિવેદનમાં શિક્ષકોના સંઘે જણાવ્યું હતું કે જેએનયુ યુનિવર્સિટીના દુષ્કૃત્યો અને ગેરવહીવટ વિરુદ્ધ અવાજ ઉઠાવવા બદલ હવે શિક્ષકોને નિશાન બનાવી રહી છે.
જેએનયુ ટીચર્સ એસોશિએશને નોંધ્યુ હતું કે એક યુનિવર્સિટીમાં સીસીએસના નિયમો લાદવાથી અન્ય યુનિવર્સિટીઓમાં પણ ઊહાપોહ થશે અને તેના ઉચ્ચત્તર શિક્ષણ પર વિપરીત પરિણામો આવી શકે છે. એસોસિએશને જેએનયુ અધ્યાપકો પર સીસીએસ નિયમો લાદવાના કોઇ પણ પ્રયાસ સાથે લડી લેવા સંકલ્પ કર્યો છે. શિક્ષકોએ એવું પણ જણાવ્યું હતું કે માનવ સંસાધન વિકાસ વિભાગના પૂર્વ પ્રધાન પ્રકાશ જાવડેકરે ૨૦ ઓક્ટો. ૨૦૧૮ના રોજ એક ટ્‌વીટમાં જણાવ્યું હતું કે અમે જેએનયુ, ડીયુ કે અન્ય કોઇ પણ યુનિવર્સિટીમાં વાણી સ્વાતંત્ર પર મૂકવામાં આવેલ કોઇ પણ નિયંત્રણ અમે મૂક્યા નથી. દરમિયાન સિવિલ સોસાયટીએ જેએનયુ પ્રશાસન વિરુદ્ધ ઓનલાઇન કેમ્પેન શરૂ કરી છે અને જણાવ્યું છે કે યુનિવર્સિટીઓને સીસીએસ રુલ્સ લાગુ પાડવાથી વાણી સ્વાતંત્ર અને અભિવ્યક્તિ સ્વાતંત્ર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. આમ સેન્ટ્રલ સિવિલ સર્વિસીઝના નિયમો થોપીને શિક્ષકોને કનડગત અને ધમકાવી રહ્યાં છે.