(એજન્સી) તા.રર
આઈઆઈટી મદ્રાસ અને જેએનયુમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં વધુને વધુ વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે ત્યારે મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ અને નાગરિક અધિકાર સંગઠનના સભ્યોએ પણ વિરોધ-પ્રદર્શન યોજી વિદ્યાર્થીઓ પ્રત્યે તેમની એકતા દર્શાવી હતી. જોઈન્ટ એકશન કમિટી ફોર સોશિયલ જસ્ટિસ, મહારાષ્ટ્ર દ્વારા મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસમાં યોજવામાં આવેલા વિરોધ-પ્રદર્શનમાં ભારતીય કેમ્પસોમાં પ્રવર્તમાન ભેદભાવ પર પ્રકાશ ફેકવામાં આવ્યો હતો. સાથે સાથે દલિત બહુજન સમુદાયના વિદ્યાર્થીઓને મફત અને રાહત દરે શિક્ષણ આપવાની જરૂરિયાત પર ભાર મુકવામાં આવ્યો હતો. ભારતીય યુનિવર્સિટીઓના કેમ્પસમાં ચાલતા નિર્લજ્જ ભેદભાવ અંગે વિદ્યાર્થીઓએ અભિપ્રાય વ્યકત કર્યો હતો કે આ કોઈ નવી વસ્તુ નથી, પરંતુ હવે તે લોકોના ધ્યાનમાં આવી રહ્યું છે. આઈઆઈટી-બોમ્બે ખાતે પણ આ જ પ્રકારનું વિરોધ-પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શન દરમ્યાન વિદ્યાર્થીઓએ નવેસરથી કેટલીક માગણીઓ મુકી હતી. વિદ્યાર્થીઓએ એક નિવેદન બહાર પાડી આઈઆઈટી મદ્રાસની વિદ્યાર્થિની ફાતિમા લતીફની હત્યાને સંસ્થાકીય હત્યા ગણાવી હતી. વિદ્યાર્થીઓએ માગણી કરી હતી કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય, સામાજિક ન્યાય અને સશકિતકરણ મંત્રાલય અને રાષ્ટ્રીય લઘુમતી પંચ દ્વારા આ આત્મહત્યાની સ્વતંત્ર તપાસ કરવામાં આવે. વિદ્યાર્થીઓએ આ માગણી પણ કરી હતી કે આઈઆઈટીમાં વિદ્યાર્થીઓના હિતોના રક્ષણ માટે એસસી, એસ.ટી., ઓબીસી સેલ તેમજ લઘુમતી સેલ ઉભા કરવામાં આવે.