(એજન્સી) નવી દિલ્હી, તા.૯
ભાજપના નેતા મનોજ કશ્યપે કહ્યું છે કે યુપીના કૈરાનામાં લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપનો પરાજય થશે તો તેની પાકિસ્તાન અને કાશ્મીરમાં ઉજવણી થશે. કશ્યપ બ્રજ વિસ્તારના ભાજપના પ્રભારી છે. ગોરખપુર અને ફૂલપુરમાં પરાજયના અનુસંધાનમાં આ ટિપ્પણી આવી છે. સોમવારે કૈરાનામાં ચૂંટણી પ્રચાર કાર્યાલયના ઉદ્‌ઘાટન પ્રસંગે મનોજ કશ્યપે વીડિયો સંબોધનમાં કહ્યું કે, જો કૈરાના ચૂંટણી હારી જશે તો તમે રડશો અને કાશ્મીર તેમજ પાકિસ્તાનમાં જશ્ન મનાતો હશે. વડાપ્રધાન મોદી દેશના ૧રપ કરોડ લોકો માટે તેમનું જીવન સમર્પિત કરવા તૈયાર છે. વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે જાય છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ તેમને ભેટે છે. જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન અમેરિકા જાય છે ત્યારે તેમના કપડાં ઉતારાય છે. આ પહેલીવાર નથી કે પાકિસ્તાનને નિશાન બનાવાયું હોય. અગાઉ બિહાર ચૂંટણીમાં પણ અમિત શાહે આવી ટિપ્પણી કરી હતી. અમિત શાહે રેક્સુલામાં રેલી દરમિયાન કહ્યું હતું કે હાર-જીત પટણામાં થશે પરંતુ ટોટા પાકિસ્તાનમાં ફૂટશે.