(એજન્સી)નવી દિલ્હી, તા.રર
ગુરૂગ્રામના રયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં ૮ વર્ષના વિદ્યાર્થીની હત્યા કરાઈ હતી. બાળકના પિતાએ ધમકી આપતા કહ્યું કે જો સીબીઆઈને તપાસ માટે કેસ ત્વરિત સોંપવામાં નહીં આવશે તો અમે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરીશું. એમણે વધુમાં કહ્યું કે, મેં વડાપ્રધાનની કચેરી અને અન્ય મંત્રીઓને પત્ર લખી જણાવ્યું છે કે મને ભય છે કે, જ્યારે સોમવારે સ્કૂલ ખુલશે ત્યારે પુરાવાઓના નાશ કરવાના પ્રયાસો કરાશે. એક અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે પણ હજુ સુધી સીબીઆઈને કેસ સોંપાયો નથી. જો સીબીઆઈ સ્કૂલ ખુલતા પહેલાં સ્થળની તપાસ નહીં કરશે તો પુરાવાઓના નાશ કરવાની શક્યતા છે. મેં સુષમા સ્વરાજને પણ વિનંતી કરી છે કેમ કે એ પણ માતા છે અને બાળકના મૃત્યુનું દુઃખ વધુ કોઈ સમજી શકે નહીં. જ્યારે વરૂણ પોતાના પુત્રને શાળાએ મૂકી ગયા હતા એના થોડા જ કલાક પછી એ લોહીથી ખદબદી રહ્યો હતો અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. હોસ્પિટલ લઈ જવાતા પહેલાં જ બાળકનું મૃત્યુ થયું હતું. હરિયાણાના મુખ્યમંત્રીએ બાળકના કુટુંબીજનોને વચન આપ્યું હતું કે, તપાસ સીબીઆઈને સોંપવામાં આવશે પણ હજુ સુધી વિધિસર રીતે તપાસ સોંપાઈ નથી. કુટુંબીજનોના વકીલે કહ્યું કે ફકત અમે જ શંકાસ્પદ વ્યક્તિઓના જામીનનો વિરોધ કરીએ છીએ. સરકારની ઢીલથી અમને એવી શંકા થઈ રહી છે કે સરકાર પિન્ટો પરિવારને બચાવવા પ્રયાસ કરે છે જે સ્કૂલના માલિકો છે. ઉપરાંત એમની સામે સેબીની પણ તપાસ ચાલુ છે. એમના એક માલિક રાજકીય પક્ષમાં હોદ્દો ધરાવે છે. આ બધી વાતોના લીધે અમને શંકાઓ થાય છે.