નવી દિલ્હી, તા.૮
વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશના હત્યારા હજુ સુધી પોલીસના સકંજાથી દૂર છે પરંતુ નેતાઓની નિવેદનબાજી ચાલુ છે. કર્ણાટકના શ્રૃંગેરીમાંથી ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીવરાજે ગૌરી લંકેશ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જેમાં ચિકમંગ્લુરૂના એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ગૌરી લંકેશે જો આરએસએસ વિરૂદ્ધ લખ્યું ન હોત તો તેઓ આજે જીવિત હોત. તેમણે કહ્યું કે, ગૌરી લંકેશ જે રીતે લખતા હતા તે સહનશક્તિ બહારનું હતું.
ધારસભ્યે નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે જોયું છે કે, કોંગ્રેસની સરકારમાં ઘણા આરએસએસ કાર્યકરોએ જીવ ગુમાવ્યા છે. જો ગૌરી લંકેશે પણ આરએસએસ વિરૂદ્ધ લખ્યું ન હોત તો આજે તેઓ જીવિત હોત. ગૌરી મારી બહેન જેવી છે પરંતુ તેણે જે રીતે અમારી વિરૂદ્ધ લખ્યું તે સ્વીકાર કરી શકાય તેમ નહોતું. કર્ણાટકના વિવિધ ભાગોમાંથી આવેલા પાર્ટી કાર્યકરોની મેંગ્લુરૂમાં બાઇક રેલી પર પોલીસે રોક લગાવી હતી જે બાદ જીવરાજ કાર્યકરોને સંબોધિત કરી રહ્યા હતા. બીજી તરફ ગૌરી લંકેશના હત્યારાઓની ભાળ માટે હવે એસઆઇટીએ સામાન્ય લોકો પાસેથી મદદની અપીલ કરી છે. ૭૨ કલાક બાદ પણ હત્યારાઓની કોઇ માહિતી ન મળવાને પગલે પોલીસ હવામાં ફાંફાં મારી રહી છે. આ દરમિયાન ગૌરીના માતાએ એક અંગ્રેજી દૈનિકને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યંુ હતું કે, ગૌરીએ પોતાના ઘર પાસે બીજી સપ્ટેમ્બરે અજાણ્યા લોકોને ફરતા જોયાની જાણ બહેન કવિતાને કરી હતી પરંતુ ત્યારે પણ તેણે તેમનાથી કોઇ ખતરો હોવાનો ઉલ્લેખ નહોતો કર્યો. ગૌરી લંકેશ અને આસપાસની ઇમારતો પર લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજથી આરોપીઓની ઓળખમાં લાગેલી પોલીસે હવે લોકો પાસે મદદ માગી છે.
ગૌરી લંકેશ હત્યા : RSS વિરૂદ્ધ લખવાના ભાજપ નેતાના નિવેદન અંગે SIT‌ તપાસ કરશે

(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૮
વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશની હત્યામાં તપાસ દરમિયાન ભાજપ નેતાના નિવેદનની પણ નોંધ લેવાશે જેમાં તેમણે જણાવ્યું હતું કે, ૫૫ વર્ષના પત્રકારે જો આરએસએસ વિરૂદ્ધ લખ્યું ન હોત તો તેઓ આજે જીવિત હોત. કર્ણાટકના ગૃહમંત્રી રામલિંગા રેડ્ડીએ જણાવ્યંુ હતું કે, તેમણે ધારાસભ્ય ડીએન જીવરાજના વિવાદાસ્પદ નિવેદનની તપાસ કરવા એસઆઇટીને આદેશ આપ્યો છે. જોકે, શ્રૃંગેરીમાંથી ભાજપના ધારાસભ્ય જીવરાજે જણાવ્યંુ હતું કે, તેઓનો ઇરાદો હત્યાને યોગ્ય ઠરાવવાનો નહોતો જેના બદલે તેમણે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને જોવી પડે. આ દરમિયાન ભાજપે પણ પોતાના ધારાસભ્ય પાસે સ્પષ્ટતા માંગી છે. હિન્દુ જમણેરી પાંખ વિરૂદ્ધ લખાણ માટે જાણીતા લંકેશને મંગળવારે રાતે તેમના બેંગ્લુરૂના નિવાસ બહાર ગોળી મારી હત્યા કરી દેવાઇ હતી. તેમની હત્યા બાદ દેશભરમાં દેખાવો ફાટી નીકળ્યા હતા. ગૌરી લંકેશની હત્યાના કલાકો બાદ જ ભાજપના ધારાસભ્યે વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું હતું કે, જો ગૌરી લંકેશે આરએસએસ કાર્યકરોની હત્યાને બલિદાન ન ગણાવ્યું હોત તો શંું તેમની હત્યા થાત ? તેમના નિવેદન બાદ ગુરૂવારે તેમની વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાવાઇ હતી.