(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૭
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ દરેક ધર્મ કે સમાજના લોકો રાજકીય પક્ષો સમક્ષ પોતપોતાના સમાજની વસ્તીના આધારે ટિકિટની ફાળવણી કરવા માગણી કરી રહ્યા છે પરંતુ મુસ્લિમ સમાજમાં નેતૃત્વના અભાવને કારણે ૭૦ લાખથી વધુ વસ્તી હોવા છતાં પોતાના સમાજ માટે પંદર બેઠકો પણ માંગી શકે તેવી સ્થિતિમાં નથી. મુસ્લિમ સમાજને કોંગ્રેસની વોટબેંક માનવામાં આવે છે પરંતુ યોગ્ય નેતૃત્વનો અભાવ, ટાંટિયાખેંચ, ઈર્ષા જેવી વૃત્તિને લીધે સારું નેતૃત્વ ઉભરી શકતું નથી. બીજું હાલના તબક્કે મુસ્લિમ સમાજ એવો અનુભવ કરી રહ્યો છે કે, કોંગ્રેસ બહુમતી મતદારોને આકર્ષવા સોફ્ટ હિંદુત્વ તરફ આગળ વધી રહી હોવાથી મુસ્લિમ સમાજની અવગણના કરાઈ રહી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં મુસ્લિમ સમાજે શું કરવું તે અંગે ગુજરાતના એકમાત્ર જાગૃત, બોલકા અને સમાજ માટે કામ કરવા હંમેશા તત્પર ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો ગુજરાત ટુડેએ મત જાણવા પ્રયાસ કર્યો છે. જે તેમના શબ્દોમાં નીચે મુજબ છે.
પ્રશ્ન : હાલ રાહુલ ગાંધી અવાર-નવાર ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવી તેમના પ્રચારના રસ્તામાં આવતા તમામ મંદિરોમાં દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે તેઓ મંદિરોમાં જ કેમ અન્ય ધર્મસ્થાનોમાં કેમ જતા નથી ? શું આ સોફ્ટ હિંદુત્વ નથી.
ઉત્તર : હું મુસલમાન છું પાંચ ટાઈમ મસ્જિદમાં નમાઝ પઢવા જાઉં છું. તેમાં કોઈ હિંદુને વાંધો ન હોવો જોઈએ. એ જ રીતે રાહુલ ગાંધી કાશ્મીરી બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે તેઓ મંદિરમાં જાય તેમાં ખોટું શું છે ? તે તેમની આસ્થાનો વિષય છે. હાલ ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ મુસ્લિમ કે અન્ય ધર્મસ્થાનોમાં જતા નથી, મંદિર, મસ્જિદમાં જવું કે નહીં, ટોપી પહેરવી કે નહીં તે કોઈ મુદ્દો જ નથી. મુસ્લિમોને તો માત્ર શાંતિ સલામતી સાથે અને ભેદભાવ વિના રોજગારી જોઈએ છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દર વર્ષે અજમેર શરીફના ઉર્સ વખતે ચાદર મોકલે છે. દર વર્ષે રમઝાનમાં ઈફતાર પાર્ટી યોજવામાં આવે છે અને હજી તો તેમનો ચૂંટણી પ્રવાસ જારી જ રહેશે ત્યારે ચોક્કસથી તેઓ મુસ્લિમ ધર્મસ્થાનોની મુલાકાત લેશે. ભાજપને હાલ તેમની સત્તા ગુમાવવાનો ડર સતાવી રહ્યો હોવાથી મંદિરોના અને હિંદુત્વના મુદ્દા ઉછાળી લોકોને ભરમાવવાનો પ્રયાસ કરે છે પરંતુ કોંગ્રેસની સૌથી મોટી બાબત એ છે કે મુસ્લિમોના શરિયતમાં તેણે ક્યારેય દખલગીરી કરી નથી.
પ્રશ્ન : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સમયમાં કોંગ્રેસના ૧ર મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા હતા. જ્યારે હવે માત્ર નામ પૂરતા બે જ ચૂંટાયા છે. આવું કેમ ? શું આ વખતે મુસ્લિમોને વસ્તીના પ્રમાણમાં અને જે રીતે મુસ્લિમ સમાજ કોંગ્રેસને મત આપતો આવ્યો છે એ પ્રમાણમાં તેને ટિકિટ મળશે ખરી ?
ઉત્તર : ભાજપે દેશ અને ગુજરાતમાં જ્યારથી હિંદુત્વની અને ધાર્મિક ધ્રુવીકરણની રાજનીતિ શરૂ કરી છે ત્યારથી મુસ્લિમોનું પ્રતિનિધિત્વ સતત ઘટતું ગયું છે. થોડા મહિના અગાઉ જ યુપીની ચૂંટણીમાં કે જ્યાં રર ટકા મુસ્લિમ મતદારો હોવા છતાં ભાજપની ગંદી રાજનીતિને લીધે આ પ્રતિનિધિત્વ ઘટી ગયું. ભાજપે ધાર્મિક ધ્રુવીકરણની રાજનીતિ શરૂ કરી અપક્ષો અને નાના પક્ષોને લાલચ આપી મુસ્લિમ ઉમેદવારો સામે ઊભા કરી મુસ્લિમ મતોમાં ભાગલા પડાવ્યા હતા. તેમાં સમાજની નિષ્ક્રિયતા અને જાગૃતતાનો અભાવ પણ એટલા જ જવાબદાર છે. મુસ્લિમ સમાજ પાસે ગુજરાતમાં એકપણ એવી બેઠક નથી કે જે માત્રને માત્ર પોતાના દમ પર જીતાડી શકે. આમાં તમામ ધર્મો અને સમાજનો સાથ-સહકાર જરૂરી છે. આથી પ્રથમ તો સ્વચ્છ અને સારી પ્રતિભા તેમજ સેક્યુલર છબી ધરાવતા ઉમેદવારને શોધી તેને ચૂંટણીમાં ઊભો રખાવી પૂરી તાકાતથી તેને જીતાડવા કામે લાગવું જોઈએ તો જ વધુમાં વધુ મુસ્લિમ ઉમેદવાર ચૂંટાઈ આવશે.
પ્રશ્ન : કોંગ્રેસને હાલ હાર્દિક, જિજ્ઞેશ અને અલ્પેશના સાથ-સહકારથી નવા મતદારો મળવાની આશા છે ત્યારે શું વફાદાર અને પરંપરાગત મતદારોની અવગણના કરાઈ રહી છે એવું નથી લાગતું ?
ઉત્તર : પ્રદેશ સમિતિ અને સંગઠનમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ પૂરતી સંખ્યામાં છે. જ્યારે હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશ ભાજપની વિરૂદ્ધમાં લડત ચલાવી રહ્યા છે. કોમવાદી પરિબળોને પરાજીત કરવા જેનો પણ સાથ મળે તે કોંગ્રેસ મેળવી રહી છે. એનાથી મુસ્લિમ સમાજને અન્યાય નહીં થાય. જે અન્ય સમાજો ભાજપ સામે લડત ચલાવી રહ્યા છે. તેનાથી ભાજપ કમજોર પડશે. કોમવાદી પરિબળો કમજોર થાય તો ફાયદો મુસ્લિમ સમાજને જ થવાનો છે. કારણ કે મુસ્લિમો હંમેશા ભાજપના નિશાના પર રહે છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ વખતે ગુજરાતમાં ચોક્કસ કોંગ્રેસની સરકાર રચાવાની જ છે ત્યારે હું મુસ્લિમ સમાજને ખાતરી આપું છું કે, આવનારી સરકાર દ્વારા વિકાસમાં લઘુમતી સમાજને પૂરતી તક આપવામાં આવશે. ઉપરાંત કોઈપણ પ્રકારના ભેદભાવ વિના બંધારણીય અધિકારો અપાવવા અને સમાજને ન્યાય અપાવવા પૂરતા પ્રયત્નો કરીશ. મને અલ્લાહની જાત પર સંપૂર્ણ ભરોસો છે.
પ્રશ્ન : મુસ્લિમોને તેમની વસ્તીના પ્રમાણમાં સત્તામાં હિસ્સેદારી તો કોઈ પક્ષ દ્વારા મળતી જ નથી પરંતુ તેઓ જે પક્ષને સામૂહિક મતો આપે છે તે મતદાનના પ્રમાણમાં પણ સત્તામાં હિસ્સેદારી મળતી નથી ત્યારે કોંગ્રેસ મુસ્લિમોની વ્યથા કઈ રીતે દૂર કરશે ?
ઉત્તર : મુસ્લિમ સમાજની અધોગતિ થઈ તે માટે મારા સહિત મુસ્લિમ સમાજનું નેતૃત્વ જવાબદાર છે. મુસ્લિમ નેતૃત્વ ટિકિટ મેળવવા એકઠું થાય છે પરંતુ દુઃખની વાત એ છે કે સમાજને આપેલા મતોનું વળતર અપાવવામાં આંતરિક ખેંચતાણને લીધે નિષ્ફળ રહ્યો છે. જો સમાજની નેતાગીરી એકજૂથ થાય અને એખલાસ સાથે કોઈપણ પક્ષ પાસે પોતાના અધિકારો માંગે તો હું માનું છું કે તેમને આપ્યા વિના છુટકો જ નથી પરંતુ મોટાભાગના નેતાઓ સમાજને વફાદાર રહેવા કરતા પક્ષને વધુ વફાદાર રહે છે. પરિણામે સમાજ હિતની વાત ખોખારીને કરી શકતા નથી. મુસ્લિમ સમાજની સૌથી મોટી કમજોરી જો હોય તો તે એ છે કે કોઈપણ આગેવાન એકબીજાનું નેતૃત્વ સ્વીકારવા તૈયાર નથી. ઈર્ષાની આગમાં બળી એકબીજાને કમજોર બનાવવા તથા ટાંટ્યા ખેંચમાં તમામ તાકાત કામે લગાડી દેતા હોવાથી સમાજને મળવો જોઈએ તે લાભ અપાવી શકતા નથી.
પ્રશ્ન : તમારા જેવા જાગૃત અને પ્રજાના પ્રશ્નો ઉઠાવતા રહેતા પ્રજાના પ્રતિનિધિ પાસેથી લોકોની અપેક્ષાઓ વધી જાય છે ત્યારે તમે ગુજરાતના દરેક સમાજ અને ખાસ કરીને લઘુમતી સમાજ માટે શું કરવા માંગો છો ! એમને શું બાંયધરી આપવા માંગો છો !
ઉત્તર : ગુજરાતમાં માત્ર બે જ મુસ્લિમ ધારાસભ્યો હોવાથી સ્વાભાવિક છે કે, ૬૦ લાખથી વધુ વસ્તી ધરાવતા મુસ્લિમ સમાજને અમારી પાસે અપેક્ષાઓ રહે. દરેક ચૂંટાયેલા પ્રતિનિધિ અને આગેવાનની ફરજ પણ છે કે તમે જે સમાજનું પ્રતિનિધિત્વ કરો છો તેમના માટે રાજકીય કારકિર્દીની પરવા કર્યા વિના નિર્ભયપણે અવાજ ઉઠાવવો જોઈએ અને સમાજ જ્યાં અને જ્યારે તકલીફમાં હોય તો ઈમાનદારીપૂર્વક યથાશક્તિ મદદ કરવી જોઈએ. હું ભલે દરિયાપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયો છું પરંતુ ગુજરાતની ૬.પ કરોડ જનતા સાથેની મારી વિશેષ જવાબદારી છે. મુસ્લિમ સમાજને બંધારણીય આપેલા અધિકારો અપાવવા ઈમાનદારીપૂર્વકના પ્રયાસો કરવા જોઈએ. સરવાળે અલ્લાહે જેને ઈલ્મ, પૈસા, નેઅમત, સત્તા, શિક્ષણ, આરોગ્ય, વ્યવસાય સહિત જે ક્ષેત્રમાં શક્તિ આપી હોય તેણે તે ક્ષેત્રના માધ્યમથી સમાજનું ભલું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. નહીં તો અલ્લાહના દરબારમાં તેનો હિસાબ આપવો પડશે. અલ્લાહે મોમીનને દુનિયામાં ઈબાદત અને પરીક્ષા માટે જ મોકલ્યો છે. તેથી અલ્લાહે તમને જે શક્તિ આપી છે. તેને તમે કઈ દિશામાં કેટલી અને કેવી રીતે ખર્ચ કરો છો તેનાથી જ તમારી કદર થાય છે. અને આખેરત સુધરે છે. આથી જ સમાજનું પ્રતિનિધિત્વ કરતા લોકોએ પક્ષની વફાદારી સાથે સમાજ સાથેની વફાદારી અચૂક નિભાવવી જોઈએ. રાજકારણમાં આવતા લોકોએ ફક્ત હોદ્દા કે ટિકિટ માટે નહીં પરંતુ સમાજના હિત માટે પણ કામ કરવું જોઈએ.
પ્રશ્ન : ધારાસભ્ય તરીકે તમે સતત બે ટર્મથી ચૂંટાયા છો ત્યારે આ દસ વર્ષના ગાળામાં તમારી ઉપલબ્ધિઓ કઈ કઈ ? કઈ સિદ્ધિઓનો યશ તમને આપી શકાય ?
ઉત્તર : એક ધારાસભ્ય તરીકે મેં દસ વર્ષમાં માત્ર મારા દરિયાપુર વિધાનસભા મતવિસ્તારમાં જ નહીં પરંતુ રાજ્યની પ્રજા માટે નાતજાત, ધર્મના ભેદભાવ વિના કામગીરી કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં મેં ર૦ કરોડથી વધુના કામો મારી ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી પોલ્યુશન સેલ અંતર્ગત તથા જનરલ બજેટમાંથી કરાવવામાં સફળતા મેળવી છે. ભાજપ કોંગ્રેસને વિરોધ પક્ષ તરીકે નહીં પરંતુ દુશ્મનની નજરે જુએ છે અને હું તો કોંગ્રેસનો હોવા ઉપરાંત મુસ્લિમ ધારાસભ્યો હોવાથી ભાજપ વધુ કિન્નાખોરી રાખે છે. આથી મારા વિકાસના કામો અટકાવવા અને વિલંબમાં નાખવા અથાગ પ્રયત્નો કરવામાં આવે છે. છતાં મેં વિધાનસભા મ્યુનિ. સંકલન સમિતિમાં અવાર-નવાર ઉગ્ર લડત આપી આ કામો કરાવવામાં સફળતા મેળવી છે. મેં મારા મતવિસ્તારમાં મુસાસુહાગ કબ્રસ્તાન, બાબાઢોકલ કબ્રસ્તાન, મોમીન સમાજ કબ્રસ્તાનમાં જ નહીં જૈન સમાજના શાંતિપુરા મુક્તિધામ તથા રામલાલના ખાડા પાસે આવેલ દેવીપૂજક સમાજના સ્મશાન, દૂધેશ્વર મુખ્ય સ્મશાન ગૃહમાં નાતજાત ધર્મના ભેદભાવ વિના ૧ કરોડથી વધુના રોડ, રસ્તા, લાઈટ વગરેેના વિકાસ કાર્યો કર્યા છે. આ ઉપરાંત શાહપુર ભવન્સ કોલેજ પાસે વોટર પંપીંગ સ્ટેશન, ત્રણ ખૂણિયા બગીચા પાસે ડ્રેનેજ પંપીંગ સ્ટેશન, લાલદરવાજા, સરદારબાગનું આધુનિકીકરણ, સ્નાનાગરનું રિનોવેશન, દૂધેશ્વર લાલાકાકા કોમ્યુનિટી હોલનું રિનોવેશનનું કામ કરાવ્યું છે. ઉપરાંત કાલુપુર, દરિયાપુર અને શાહપુરમાં પ્રદૂષણયુક્ત પાણીની અને ગટરો ઉભરાવવાની ફરિયાદો કાયમી હતી. તેમાંથી મુક્તિ અપાવવામાં સફળતા મળી છે. પ્રાથમિક સુવિધાના કામો એવા હોય છે કે, એકવાર તેનું નિરાકરણ આવી જાય તો પણ નવી જગ્યાએ અને નવા સ્થળોએ પ્રશ્નો ઉદ્‌ભવતા રહે છે પરંતુ જૂના પ્રશ્નોનું સંપૂર્ણ નિરાકરણ લાવવામાં આવ્યું છે. નવા પ્રશ્નો ઊભા થાય છે તેનો તબક્કાવાર ઉકેલ લાવવામાં આવે છે. હવે આ સમસ્યાનો પણ કાયમી ઉકેલ લાવવાની મારી મહેચ્છા છે.
આ ઉપરાંત વિધાનસભામાં જાગૃત અને બોલકણા ધારાસભ્ય તરીકે ગુજરાતની સાડા છ કરોડની જનતાની સાથે લઘુમતી સમાજના ૭૦ લાખ લોકો માટે હંમેશા નિર્ભયપણે મારો અવાજ રજૂ કરી લઘુમતી પ્રત્યે ઉદાસીન બહેરી સરકારના કાન પર અવાજ પહોંચાડવાના ઈમાનદારીપૂર્વકના પ્રયાસો કર્યા છે. મારા સતત સાત વર્ષના અથાગ પ્રયત્નો બાદ રાજ્ય સરકારને મા અમૃતમ અને વાત્સલ્ય યોજના બનાવવા મજબૂર થવું પડ્યું જેના દ્વારા હાર્ટ, કિડની, કેન્સર જેવી ગંભીર બીમારીમાં રૂા.ર લાખ સુધીની મફત તબીબી સારવાર મળી રહે છે. મારે ગૌરવ સાથે કહેવું છે કે, ત્રણ વર્ષમાં આ યોજના દ્વારા ૯૮૬ કરોડ રૂપિયા ગરીબ દર્દીઓ પાછળ ખર્ચાયા છે.
કેન્દ્રની યુપીએ સરકારે આરટીઈ એકટ બનાવ્યો. તેનો ગુજરાત સરકાર અમલ કરતી ન હતી. મેં ગુજરાત વિધાનસભામાં ઉગ્ર રજૂઆતો કરી અમલ શરૂ કરાવતા ૬૦ હજારથી વધુ ગરીબ વિદ્યાર્થીઓએ આરટીઈ એકટ હેઠળ પ્રવેશ મેળવ્યા છે. ખાદ્ય અન્ન સુરક્ષાની ધારા હેઠળ રાઈટ ટુ ફૂડનો અમલીકરણ પણ વિધાનસભામાં ઉગ્ર રજૂઆત કરી શરૂ કરાવતા રાજ્યના ૩.૬પ કરોડ લોકોને સસ્તા ભાવે અનાજ મળવું શરૂ થયું. પ્રિમેટ્રિક સ્કોલરશીપ કે જે યુપીએની યોજના હતી. તે અંગે પણ વિધાનસભામાં ઉગ્ર રજૂઆત કરી હતી. ગુજરાતના સામાજિક અને સ્વૈચ્છિક સંગઠનો હાઈકોર્ટમાં પણ ગયા હતા. હાઈકોર્ટે પણ ગુજરાતના મુસ્લિમ પરિવારોની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સ્કોલરશીપ આપવા કહ્યું હતું પરંતુ ગુજરાત બેશરમ સરકાર સુપ્રીમમાં સ્ટે લેવા ગઈ હતી જે કેસ હજી પેન્ડિંગ છે પરંતુ મુસ્લિમ એનજીઓ અને મારી ઉગ્ર લડતના પરિણામે આખરે રાજ્ય સરકારને ગરીબ વિદ્યાર્થીઓને પ્રિમેટ્રિક સ્કોલરશીપ આપવાની ફરજ પડી હતી.
ભાજપના રાજ્ય વકફ બોર્ડ રૂા.ર૦૦ કરોડની કિંમતની વકફની ર૬ મિલકતો વેચી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેની સામે મેં અને સાથી ધારાસભ્ય મુહમ્મદ જાવેદ પીરઝાદાએ ઉગ્ર રજૂઆત કરતાં આ સોદાઓ સરકારે સ્થગિત કર્યા હતા. મેં છેલ્લા પાંચ વર્ષમાં મારા માનવ કલ્યાણ હેઠળ મારા મતવિસ્તારમાં ૧૦ કરોડથી વધુની માલસામાન અને સહાય આપવામાં સફળતા મેળવી છે.
અંતમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુસ્લિમ સમાજને અપીલ કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ કોમવાદી પરિબળો સકંજો પ્રસરાવી રહ્યા છે. ત્યારે મુસ્લિમ સમાજે ફિરકાપરસ્તી, નાકાબંધી, મસ્લકને દરકિનાર કરી સામાજિક એકતા બનાવવાની સાથે સેક્યુલર હિંદુઓ સાથે પોતાના સંબંધો વધુ સુદૃઢ બનાવે. હિંદુ-મુસ્લિમોને લડાવી કોમવાદી ધ્રુવીકરણની રાજનીતિ કરનાર ભાજપ જેવા ફાસિસ્ટ પરિબળોને પરાશ્ત કરવા જોઈએ. વિશેષ કરીને મુસ્લિમ સમાજના કોંગ્રેસ સહિત તમામ પક્ષના રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક, આરોગ્ય ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ, લડત ચલાવતા કર્મશીલો એકબીજાની ઈર્ષા બાજુએ મૂકી સમાજના હિતમાં એક થાય. ટિકિટ તથા હોદ્દા મેળવવા ભલે પોતે યોગ્ય તાકાતથી પોતાની રજૂઆતો કરે પરંતુ ચૂંટાયા બાદ એક સંપ થઈ સમાજ હિતનું કામ કરે. આપણે જે પક્ષને મત અપાવતા હોઈએ તે પક્ષ પાસેથી મુસ્લિમ સમાજને તેને આપેલા મતોનું પૂરતું વળતર અને બંધારણીય અધિકારો મળી રહે તથા સરપંચથી સંસદ સુધી તમામને પ્રતિનિધિત્વ મળી રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ. સમાજની બદહાલીનું એક માત્ર કારણ અંગત હિત છે. આથી લોકોએ સમાજ હિતમાં અંગત હિત બાજુએ મૂકી કોઈની પણ પરવા કર્યા વિના લડત લડે. ઈર્ષા છોડી ગુણવત્તાના આધારે એકબીજાના નેતૃત્વને સ્વીકારીએ તો જ વધુમાં વધુ સારૂં અને ગુણવત્તાસભર નેતૃત્વ ઉભરી આવશે. ફાસીવાદી પરિબળોથી આપણા સમાજને બચાવવા અપક્ષો કે નાના પક્ષોમાં મતો બગાડ્યા કરતા સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને સમાજનું કામ કરતા ઉમેદવારને જીતાડવા પ્રયત્નો કરવા જોઈએ, નહીં તો આંતરિક ઝઘડામાં ભાજપ જેવા ફાસીવાદી પરિબળો ફાયદો ઉઠાવી જશે અને સમાજના નેતૃત્વનો શૂન્યાવકાશ સર્જાશે.