(એજન્સી) અમ્માન,તા.૪
અમેરિકાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું છે કે જો સીરિયાના ઇદલિબ પ્રાંતમાં અલ કાયદાનું પ્રભુત્વ વધી જશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં ઇદલિબના ઉત્તરપશ્ચિમી વિસ્તાર પર સીરિયાના જેહાદીઓએ કબજો કરી લીધો છે. આ સંગઠન અગાઉ અલ કાયદા સાથે સંબંધ ધરાવતો હતો. અમેરિકાએ કહ્યું છે કે આ કારણસર જ ગંભીર પરિણામો જોવા મળશે કેમ કે હવે જો એવું જણાશે કે સીરિયામાં અલ કાયદાનું પ્રભુત્વ વધી રહ્યું છે તો રશિયાને ફરીવાર બોમ્બમારો કે હવાઇ હુમલો કરતાં અટકાવવું મુશ્કેલ થઈ જશે. તમને જણાવી દઈએ કે હાલમાં રશિયાએ હવાઇ હુમલા કરવાનું બંધ કરી દીધું છે. બુધવારે એક ઓનલાઇન જાહેર કરાયેલા પત્ર મુજબ, સ્ટેટ વિભાગના એક ટોચના અધિકારી અને સીરિયાની રણનીતિના ઇન્ચાર્જ માઈકલ રેટને જણાવ્યું હતું કે જેવી રીતે હયાત તહરિર અલ શામ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે પૂર્વ અલ કાયદા અને નુસરા ફ્રન્ટ સાથે સંકળાયેલ છે. તેની ઇદલિબ પ્રાંતમાં પકડ વધુ મજબૂત બની રહી છે. આવી જ રીતે તે સીરિયાના ભવિષ્ય સામે એક મોટું જોખમ ઊભું કરી રહ્યું છે. ઉત્તર સીરિયા અગાઉ પણ એક મોટા યુદ્ધનો સામનો કરી ચૂકેલું છે. હાલમાં રેટને જ છે જેમણેે અમાન અને મોસ્કો સાથે દક્ષિણ પશ્ચિમ સીરિયામાં સીઝફાયરની જાહેરાત કરી છે. તેમણે આ જાહેરાત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની ચર્ચા બાદ કરી હતી. તેમની વચ્ચે અગાઉ જુલાઇમાં આ અંગે બેઠક યોજાઇ હતી.
જોકે અમેરિકા અને રશિયા દ્વારા સીરિયામાં યુદ્ધ અટકાવવા માટે આ પ્રથમ કાર્યવાહી કરવામાં આવી હતી. સ્ટેટ ડિપાર્ટમેન્ટના ટોચના ડિપ્લોમેટે જણાવ્યું કે જેવી રીતે ઇદલિબ પ્રાંતમાં નુસરા ફ્રન્ટની પ્રવૃત્તિઓ વધી રહી છે તેને જોતાં અમેરિકા માટે દુનિયાના અન્ય મોટા દેશોને સમજાવવું મુશ્કેલ થઇ જશે કે તેઓ સીરિયા પર વધુ આકરા પગલાં ન ભરે. ર૦૧પમાં જ ઇદલિબના મોટાભાગના વિસ્તારો પર બળવાખોરોએ કબજો જમાવ્યો હતો. ત્યારથી જ રશિયા પણ તેમના પર હવાઈ હુમલા કરી રહ્યો હતો.