(એજન્સી) પટના, તા.ર૪
યુથ કોંગ્રેસના મેગેઝિનમાં મોદીને ચાયવાલા તરીકે બતાવી કરેલ મજાકના બીજા દિવસે ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ વડાપ્રધાન મોદી સામે પ્રહારો શરૂ કર્યા હતા. સિંહાએ કહ્યું કે, પક્ષમાં વિષયના નિષ્ણાતો ન હોવા છતાં તેઓ બધુ જ કરી શકે છે તો તે શા માટે અર્થતંત્ર વિશે બોલી ન શકે ? વકીલ બાબુ જેટલી અર્થતંત્ર ઉપર બોલી શકે છે. ટીવી અભિનેત્રી શિક્ષણમંત્રી બની શકે છે. ચાવાળા વડાપ્રધાન બની શકે છે ત્યારે તેઓ અર્થનીતિ અંગે કેમ ન બોલી શકે ? મોદીએ રાજકારણમાં જોડાતા પહેલાં ચાની કીટલી પર કામ કર્યું હોવાનું જણાવ્યું હતું. સિંહાએ કહ્યું કે તેઓ રામમનોહર લોહિયાથી પ્રેરાઈ તંદુરસ્ત રાજકારણ તરફ વળ્યા છે. પ્રધાન બનવાનો ઈરાદો નથી. સિંહાએ કહ્યું કે તેઓ દિલની વાત બોલે છે. બીજાઓ મન કી બાત કરે છે. મને પ્રધાન નથી બનાવ્યો તેથી હું સરકાર સામે બોલું છું તે વાત ખોટી છે. આજે જે મંત્રી છે તે પોતાની જાત પર ઊભા રહેવા સક્ષમ નથી. દેશમાં શું થઈ રહ્યું છે ? ગૌરક્ષકો લોકોની હત્યાઓ કરી રહ્યા છે. બુદ્ધિશાળી લોકો, લેખકો પત્રકારોની હત્યા થઈ રહી છે. હવે તો ન્યાયાધીશોની પણ હત્યા થાય છે. આજે ધનશક્તિ જનશક્તિ પર ભારે છે. અમારા જેવા લોકોને સવાલો કરાય છે. નોટબંધીથી લાખો નોકરીઓ ગઈ. ફેકટરીઓ બંધ થઈ ગઈ. નાના વેપાર ધંધા બંધ થયા. જીએસટી વધુ કડવો ડોઝ બન્યું. જો દબાયેલા, કચડાયેલા, યુવાનો માટે હું ન બોલું તો રાજકારણમાં રહેવાનો અર્થ નથી. જદયુ નેતા અલી અનવરના પુસ્તક વિમોચન પ્રસંગે બોલતાં શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે તેમને મોદી સરકારની આર્થિક નીતિઓ અંગે બોલવા માટે વારંવાર લાયકાત પૂછવામાં આવે છે. પરંતુ વકીલ નાણામંત્રાલય સંભાળે, અભિનેત્રી શિક્ષણમંત્રી બની શકે, ચાવાળા વડાપ્રધાન બની શકે તો હું આર્થિક નીતિ વિશે કેમ ન બોલી શકું ? ૧૦ મિનિટના પ્રવચનમાં સિંહાએ જીએસટી, નોટબંધીની નિષ્ફળતા અંગે મોદી સરકારની ઝાટકણી કાઢી હતી. જમણેરી ત્રાસવાદીઓ દ્વારા ગૌરક્ષકોનો બુરખો પહેરી કરાતી હિંસા સામે ચેતવણી આપી હતી. માતા-પિતાના વર્ષોથી સંભાળી રાખેલા નાણાં બ્લેક મની નથી.