હેમિલ્ટન,તા.૨
ન્યૂઝીલેન્ડ સામે હેમિલ્ટન ખાતે સીરિઝની બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડના કપ્તાન જો રૂટે બેવડી સદી મારી હતી. સોમવારે મેચના ચોથા દિવસે તે ૨૨૬ રન બનાવીને આઉટ થયો હતો. તે સાથે જ રૂટ કિવિઝની ધરતી પર બેવડી સદી મારનાર પ્રથમ વિદેશ કેપ્ટન બન્યો છે. આ તેના કરિયરની ત્રીજી અને વિદેશમાં પહેલી બેવડી સદી છે. મેચના ચોથા દિવસે ઇંગ્લેન્ડ ૪૭૬ રનમાં ઓલઆઉટ થયું હતું. મહેમાન ટીમે અંતિમ ૫ વિકેટમાં ૨૦૭ રન જોડ્યા હતા. રૂટ અને ઓલી પોપે છઠ્ઠી વિકેટ માટે ૧૯૩ રનની પાર્ટનરશીપ કરી હતી. પોપ ૭૫ રને આઉટ થયો હતો. આ તેના કરિયરની પહેલી ફિફટી હતી.
પોપ અને રૂટની જોડી તૂટતાં જ ઇંગ્લેન્ડની ઇનિંગ્સ તરત સમાપ્ત થઇ ગઈ હતી. પોપ આઉટ થયો ત્યારે ઇંગ્લેન્ડનો સ્કોર ૪૫૫/૬ હતો. તે પછી છેલ્લા ચાર બેટ્‌સમેન ૨૧ રનમાં આઉટ થઇ ગયા હતા. રૂટના રૂપમાં ઇંગ્લેન્ડની સાતમી વિકેટ પડી ગઈ હતી. તેણે ૪૪૧ બોલમાં ૨૨ ચોક્કા અને ૧ છગ્ગો માર્યો હતો.કિવિઝ પ્રથમ દાવમાં ૩૭૫ રન કર્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે ૪૭૬ રન ફટકાર્યા હતા. ચોથા દિવસના અંતે કિવિઝે ૨ વિકેટે ૯૬ રન કર્યા હતા. તે ઇંગ્લેન્ડથી ૫ રન પાછળ છે. કેન વિલિયમ્સન ૩૭ અને રોઝ ટેલર ૩૧ રને અણનમ છે. પહેલ ટેસ્ટ કિવિઝે એક ઇનિંગ્સ અને ૬૫ રને જીતી હતી.